
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આંત્રપ્રિન્યોરશિપ લોન્જ સિઝન 5 એપિસોડ 3 ના ભાગરૂપે નાનપુરા, સુરત ખાતે ‘ફૂડપ્રિન્યોર્સ 6 X10’વિષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિમાલયા ગૃપના મેનેજિંગ ડિરેકટર રવિ રાજ દેસાઇ, હીલ ઝીલ વાઇન્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર પ્રિયંકા સાવે, અલ્પીનો હેલ્થ ફૂડ્સ પ્રા.લિ.ના કો–ફાઉન્ડર ચેતન કાનાણી, બેબી બર્પના કો–ફાઉન્ડર શ્રુતી ટિબ્રેવાલ, ડોમ પિઝઝેરીયાના હેડ શેફ શ્રેય સુરતવાલા અને યમી મમી હેલ્ધી ફૂડ્સના ફાઉન્ડર એન્ડ સીઇઓ શુભમ રાંકાએ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ઉદ્યોગ સાહસિકતા કરીને બિઝનેસ શરૂ કરી તેને ડેવલપ કર્યો તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું.
રવિ રાજ દેસાઇએ કોલ્ડ ચેઇન બિઝનેસ વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં ખેડૂતો પાસેથી તેઓ સફરજન, પેર અને કીવીની ખરીદી કરે છે. આ ફળોને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરે છે અને ત્યારબાદ એસી રેફરીજેટર વાનમાં સુરતના સરદાર માર્કેટમાં ફળોને મોકલી આપે છે. આવી રીતે તેઓ હિમાચલ પ્રદેશથી ભારતભરની માર્કેટોમાં ફળો મોકલે છે. ખાસ કરીને સુરત અને કન્યા કુમારી ખાતે તેઓ કોલ્ડ ચેઇન બિઝનેસ કરી રહયા છે.
પ્રિયંકા સાવેએ જણાવ્યું હતું કે, યુએસમાં મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ વતન સાથે લગાવ હોવાથી તેઓ બોરડી પરત ફર્યા હતા. ચીકુની વાડી હોવાથી પિતા સાથે વાડીમાં ચીકુનું કામકાજ સંભાળવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન તેમણે જોયું કે આડતિયાઓને કારણે ખેડૂતોને ચીકુનો સારો ભાવ મળતો નથી. આથી તેમણે આડતિયાઓને હટાવીને પોતાની વાડીમાં પાકેલા ચીકુનો ઉપયોગ વાઇન બનાવવા માટે કર્યો. આવી રીતે તેઓ હવે મહારાષ્ટ્રમાં યુનિટ નાંખીને વાઇન પ્રોડકટ બનાવી બિઝનેસ કરી રહયા છે.
ચેતન કાનાણીએ જણાવ્યું હતું કે, લોકોને ન્યુટ્રીશન્સની ઓળખ છે. જુનાગઢમાં પિનટ્સની બેસ્ટ કવોલિટી થાય છે એટલા માટે ત્યાંથી બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુરતમાં પણ બિઝનેસ ડેવલપ કર્યો હતો. ફિટનેસ સેગ્મેન્ટમાં તેનો વધારે ઉપયોગ થતો હોવાથી તે દિશામાં બિઝનેસ ડેવલપ કર્યો હતો. પિનટ્સ હેલ્ધી હોવાથી યુવા પેઢીને ટાર્ગેટ કર્યા હતા. ખાસ કરીને ઉત્તર ભારત જેવા કે મુખ્યત્વે પંજાબ અને હરિયાણા વિગેરે રાજ્યોમાં પિનટ્સના પેકેટસ સપ્લાય કરી તેને બ્રાન્ડ બનાવી હતી. પહેલી વખત રૂપિયા 25 લાખની આવક થઇ હતી. ઇ–કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બિઝનેસને વધુ ડેવલપ કર્યો છે. ડિજીટલ બિઝનેસ બાદ તેમની કંપનીનો બિઝનેસ રૂપિયા 105 કરોડ સુધી પહોંચ્યો હતો. હવે તેઓ વિદેશોમાં પણ પ્રોડકટ એકસપોર્ટ કરી રહયા છે.
શ્રુતી ટિબ્રેવાલે જણાવ્યું હતું કે, બાળકને સારુ ફૂડ આપવા માટે ઘરે જ બેબી ફૂડ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ હેલ્ધી બેબી ફૂડ માટે જ્યારે સર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે વિચાર આવ્યો કે આની જરૂરિયાત ઘણા વાલીઓને પણ હશે. આથી બેબી પફસ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેઓ સોયા મસાલાથી પફસ બનાવે છે, જે એક વર્ષ તથા તેનાથી મોટી ઉમરના બાળકો સરળતાથી આરોગી શકે છે. તેઓ પોતાની પ્રોડકટ સીધી ગ્રાહકો સુધી પહોંચાડે છે. આજે મોટા ભાગે તેમની પ્રોડકટ દરેક સ્ટોર ઉપર સરળતાથી મળી રહે છે.
શ્રેય સુરતવાલાએ જણાવ્યું હતું કે, એક વખત ઘરે જ્યારે પીત્ઝા બનાવતા જોયા ત્યારે વિચાર આવ્યો કે ફૂડ એવી રીતે પીરસી શકાય કે લોકો એને આરોગીને ખુશ થાય અને વધારે કનેકટ પણ થઇ શકે. એના માટે ઇન્સ્ટાગ્રામ પર આખી રેસીપી મુકી અને લોકોને વિશ્વાસ અપાવ્યો કે તેઓની પ્રોડકટ હાઇજીનવાળી છે. કમનસીબે કોરોના આવ્યો અને એ સમયે ઘણી બધી રેસ્ટોરન્ટ બંધ થઇ ગઇ હતી, પરંતુ એ સમયે પણ તેઓએ એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. હવે તેમના રેસ્ટોરન્ટમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા લોકોને શીખવાડવામાં આવે છે અને કર્મચારીઓને કંપનીની રેવન્યુથી જોડી દેવામાં આવ્યા છે. જેથી કરીને તેઓ પોતે તથા કંપનીને આગળ વધારવા પ્રયાસ કરી રહયા છે.
શુભમ રાંકાએ જણાવ્યું હતું કે, ઘરે બધાને સાઉથ ઇન્ડિયન ફૂડ ગમે છે. એટલે સોસાયટીમાં બધાને ચટણી બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. તે સમયે કોમર્શિયલાઇઝડ થવાનો કોઇ કોન્સેપ્ટ ન હતો, પરંતુ લોકોએ ચટણી એટલી પસંદ કરી કે સામેથી ઓર્ડર આવવાનું શરૂ થઇ ગયું હતું. કારણ કે, લોકોને ઘરે બનેલું હાઇજીન ફૂડ જોઇતું હતું. લોકોને ઓર્ગેનિક ઇડલી અને ચટણી સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. હોટેલ મેરીયોટથી આવેલી ઓફર બાદ તેઓનો બિઝનેસ ડેવલપ થયો હતો. ત્યારબાદ તેઓ પોતાનું ફૂડ લઇને રિટેલ માર્કેટમાં ગયા હતા. સોડા કે ઇનોનો ઉપયોગ કર્યા વિના ઓર્ગેનિક ઇડલીની કવોલિટી પ્રોડકટનો બિઝનેસ કરી રહયા છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા સેશનમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન સંજય પંજાબીએ સેશનનું સંચાલન કર્યું હતું. યુવા વકતાઓ એવા ઉદ્યોગ સાહસિકોએ સેશનમાં શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત