
અમદાવાદ, 24 ડિસેમ્બર : સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જળ શાસન એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. જળ શાસન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તેના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશને (AMA) ‘વોટર ગવર્નન્સ ફોર પ્રોસ્પેરિટી’ (સમૃદ્ધિ માટે જળ શાસન) વિષય પર 23 ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 6.30 વાગ્યે એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું. ‘વાઘ બકરી – એએમએ સેન્ટર ફોર ગવર્નન્સ’ના ઉપક્રમે યોજાયેલા આ વાર્તાલાપને ભારત સરકારના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ ભરત લાલ દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સંબોધિત કરતા ભરત લાલે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણીની ગંભીર અછત વર્તાતી હતી. રાજ્યમાં વિકટ દુષ્કાળની પરિસ્થિતિ હતી. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે અને અહીંના લોકો જે મહેનત કરતા તો જોઇને અમે એવું વિચારતા કે જો ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી થઈ જાય તો આ રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચી જાય ..! ગુજરાતનો ઓછો આર્થિક વિકાસદર અને અન્ય સમસ્યાઓના અભ્યાસ દ્વારા અમને સમજાયું કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં, ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસમાં, તેમજ ગુજરાત રાજ્યની ગરીબી અને અન્ય મુશ્કેલીઓને દૂર કરવામાં જો કોઈ એક સૌથી મોટું વિઘ્નકારી પરિબળ હતું તો તે પાણીની ગંભીર અછત હતી.વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે રાજ્યની ત્રણ મોટી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક તો ભૂકંપને કારણે કચ્છ જિલ્લાનું પુનર્વસન, તેનાથી પણ બીજી મોટી ગંભીર દુષ્કાળ અને પાણીની અછતની સમસ્યા અને તેના કારણે ત્રીજી સમસ્યા એ રાજ્યનો ખૂબ જ ઓછો આર્થિક વૃદ્ધિદર.અમને સમજાયું કે ગુજરાતની સૌથી મોટી સમસ્યા પાણીની ગંભીર અછત છે, અને જો આ સમસ્યાને સુધારવામાં આવે, તેને દૂર કરવામાં આવે, તો ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી શકે તેમ છે. આ બાબત સમજ્યા પછી, ગુજરાતમાં જે વિવિધ યોજનાઓ અને સંકલ્પો અમલમાં મૂકવામાં આવ્યા, તેનું પરિણામ આજે તમે લોકો જોઇ શકો છો.

પાણીની જરૂરિયાત અને તેનું મહત્વ સમજાવતા ભરત લાલે કહ્યું કે 1921માં ભારતની વસ્તી આશરે 36 કરોડ હતી, જે આજે વધીને 140 કરોડ થઈ છે. જેમ-જેમ વસ્તી વધતી ગઈ, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વધતી ગઇ, તેમ-તેમ લોકોની સમૃદ્ધિ પણ વધતી ગઇ. પરિણામે એક સમયે પ્રતિ વ્યક્તિ 5000 ક્યુબિક મીટરથી પણ વધુ પાણી ઉપલબ્ધ થતું હતું, તે આજે ઘટીને ખૂબ જ ઓછું થઈ ગયું છે. લોકોની સમૃદ્ધિ જ્યારે વધે છે, ત્યારે તે સમૃદ્ધિ જાળવી રાખવા માટે પાણીનો વપરાશ વધી જ જતો હોય છે. પરિણામે આપણને વધુ ને વધુ પાણીની જરૂર પડવાની જ છે. ઝડપી આર્થિક વૃદ્ધિ માટે આપણે વધુ કાર્યક્ષમ બનવું પડે અને આપણી ઉત્પાદકતા વધારવી પડે. ભારત જેવા દેશ માટે, જ્યાં 50% વસ્તી આજે પણ કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ પર આધારિત છે, ત્યાં આપણી પાસે પાણી હોવું અત્યંત અનિવાર્ય છે. પરિણામે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું, “આર્થિક સમૃદ્ધિ માટે આપણે જળ સુરક્ષા હાંસલ કરવી અત્યંત આવશ્યક છે.”

ભરત લાલે ગુજરાતમાં પાણી ક્ષેત્રે થયેલા કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે ગુજરાત જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. પાણી ક્ષેત્રે ગુજરાતમાં વ્યાપક કામગીરી થઈ છે. તેમણે રાજ્યમાં વિકસિત કરવામાં આવેલ નર્મદા ડેમ, કેનાલ નેટવર્ક, વોટર ગ્રીડ વગેરેનો ઉલ્લેખ કર્યો અને સાથે જ ગુજરાત જે રીતે દરેક ગામોમાં જનભાગીદારીથી જળસંચય માટે કામગીરી કરી રહ્યું છે તેની સરાહના કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં જ્યાં પણ વરસાદનું પાણી પડે છે, ત્યાં તેનો સંચય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જનભાગીદારીથી આ કાર્ય થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ભૂગર્ભજળના તળ ઉંચા આવ્યા છે. આ પ્રયત્નોના પરિણામો આપણે જોઇ રહ્યા છે, કે વર્ષ 2000માં ગુજરાતનો આર્થિક વૃદ્ધિદર સાવ સિંગલ ડિજિટ એટલે કે 1% કે 2% જેટલો હતો, અને ત્યારબાદના દાયકામાં રાજ્યનો આર્થિક વૃદ્ધિદર ડબલ ડિજિટમાં જોવા મળ્યો, તેમાં પણ ગુજરાતના કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિદર પણ ડબલ ડિજિટ થયો. ગુજરાતના ઉદાહરણ દ્વારા તેઓએ સમજાવ્યું કે જ્યારે આ પ્રકારનો વિકાસ થાય છે, ત્યારે તમે આ સમૃદ્ધિનો ઉપયોગ રાજ્યના વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરી શકો છો. વિવિધ અભ્યાસ તેમજ વિવિધ ફેક્ટ્સ અને ફિગર્સ પરથી તારણ કાઢવામાં આવ્યું કે ભારત દેશને જળ વ્યવસ્થાપનના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, અને તેથી જ્યારે નરેન્દ્ર મોદી વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે સૌથી પહેલા જે વિષય પર ફોકસ કર્યું, તે છે પાણી. તેમણે જણાવ્યું કે, દેશમાં ખુલ્લામાં શૌચની મોટી સમસ્યા હતી, તેવી પરિસ્થિતિમાં જળસંચય કેવી રીતે શક્ય બને! આ જ કારણ હતું કે શ્રી મોદીએ પહેલા ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને ત્યારબાદ ‘જલ જીવન મિશન’ લોન્ચ કર્યું. ગુજરાતમાં આ સ્ટ્રેટેજીનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો હતો, અને સૌની યોજના, સુજલામ-સુફલામ જળ અભિયાન વગેરે દ્વારા ગુજરાતે ખૂબ સુંદર રીતે જળસંચયનું કાર્ય કર્યું હતું. આ જ સ્ટ્રેટેજીનો રાષ્ટ્રીય સ્તરે અમલ કરવામાં આવ્યો. વર્ષ 2014 થી 2019 દરમિયાન સ્વચ્છ ભારત મિશનનો અમલ કરીને દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાના ભગીરથ પ્રયાસો થયા અને વર્ષ 2019થી પાણી માટે બે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, એક ‘જળશક્તિ અભિયાન’, જેના અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, અને બીજું ‘જલજીવન મિશન’ જે અંતર્ગત દેશના તમામ ઘરોને, તમામ પરિવારોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મને ખૂબ આનંદ છે કે જીલ જીવન મિશનમાં ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે.

પોતાને સંબોધનને પૂર્ણ કરતી વખતે તેમણે જણાવ્યું કે આ પહેલા વોટર અને સેનિટેશન તેમજ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ પર કોઈ સમર્પિત અભ્યાસક્રમ ન હતો. પણ જો હવે કોઈ વોટર અને સેનિટાઇઝેશન, પબ્લિક હેલ્થ, વોટર સપ્લાય, આપણી સુએજ સિસ્ટમ વગેરે વિષય પર સ્પેશિયલાઇઝેશન કરવા માંગતું હોય, તો તેમના માટે આવો અભ્યાસક્રમ હોવો જોઇએ. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વોટર અને સેનિટેશન પર અભ્યાસ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. બે જગ્યાએ આવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ શરૂ કરવામાં આવશે, એક આઇઆઇટી, ગાંધીનગર અને બીજી આઇઆઇટી, ચેન્નાઇ. આ સાથે જ પાંચ અન્ય સંસ્થાઓ, આઇઆઇટી-ગુવાહાટી, આઇઆઇટી-કાનપુર, આઇઆઇટી-જોધપુર, એનટીસ-મુંબઈ અને આઇઆઇએમ બેંગલોરનો પણ આ કોર્સ સાથે સંલગ્ન કરવામાં આવશે અને આખી ચેઇન બનાવવામાં આવશે. આ પ્રકારે વોટર અને સેનિટેશન સેક્ટરમાં આ પ્રકારનું નોલેજ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે જળ સુરક્ષા ખૂબ જ જરૂરી છે, અને ગુજરાત તેનું ઝળહળતું ઉદાહરણ છે.
આ કાર્યક્રમમાં જળ સુરક્ષાના વિષય સાથે સંકળાયેલા લોકો તેમજ આ વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભરત લાલે પોતાના સંબોધન બાદ શ્રોતાઓ સાથે આ વિષય પર પ્રશ્નોત્તરી પણ કરી હતી. તેમણે શ્રોતાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત