જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સુરત અને આઇએમએના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના આંગણે પ્રથમવાર ડોક્ટરો અને પત્રકારો વચ્ચે રસપ્રદ પરિસંવાદ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત,25 ડિસેમ્બર : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે તબીબીક્ષેત્રના નામાંકિત તબીબો અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક જગતના પત્રકારો વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના મજુરા ગેટ સ્થિત દયાળજી આશ્રમ ખાતે યોજાયેલા પરિસંવાદમાં ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના વિકાસમાં પત્રકારમિત્રોનું પણ યોગદાન રહ્યું છે. કોરોનાના કપરાકાળ દરમિયાન પત્રકારોએ સમાજને જાગૃત કરવાનું જયારે તબીબોએ દર્દીઓની સેવા કરવાનું કાર્ય કર્યું હતું. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની ચિંતા કરીને જરૂર પડે ત્યારે જાગૃત પ્રહરી તરીકેની ભુમિકા બખૂબીથી પત્રકારોએ નિભાવી છે.

સુરત શહેરના વિકાસમાં આવનારા પાંચ વર્ષના પ્રોજેકટોનો ચિતાર આપતા તેમણે કહ્યું કે, ડુમસ બીચનું ડેવલપમેન્ટ તથા તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકારિત કરવા તેમજ શહેરની નામાંકિત સંસ્થાઓને રાહતદરે જમીન આપીને આરોગ્યની વધુને વધુ સુવિધાઓ ઉભી થાય ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની મર્યાદા 10 લાખ સુધી લઈ જવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. આગામી દિવસોમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે રસ્તા પર ઓવરસ્પીડથી વાહન ચલાવનારાઓની સામે કડક પગલાઓ લેવામાં આવનાર હોવાનો નિર્દેશ આપીને વ્યાજખોરોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેયું હતું.

સેમિનારમાં ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રીએ જણાવ્યું કે, સામાન્ય નાગરિકો માટે ડોકટરો એ ભગવાનનું સ્વરૂપ છે. ડોકટરો અને મીડિયાને અલગ ન રાખી શકાય. વ્યકિતની ઈમેજ અને ચારિત્ર્ય નિર્માણ માટે માધ્યમો જરૂરી છે. જેથી તબીબોએ પત્રકારોથી અંતર ન બનાવતા મીડિયા ફ્રેન્ડલી બનવાની શીખ તેમણે આપી હતી.

સંદેશ દૈનિકના નિવાસી તંત્રી પ્રસન્ન ભટ્ટે જણાવ્યું હતું કે, પરસ્પરના સુચારૂ સંવાદોથી જ કોઈ પણ સમસ્યાનું સમાધાન થતુ હોય છે. તબીબ એ ભગવાનનું પ્રતિનિધિત્વ કરતો વારસદાર છે. પત્રકારે સંવેદનશીલ હોવુ જરૂરી છે. તબીબ, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં આંધળીદોટના કારણે એકબીજા પ્રત્યે વૈમનસ્ય પેદા થતુ હોય છે. જેથી પત્રકારો અને તબીબોએ પરસ્પર ભરોસાની બુનિયાદ બનાવવી પડશે. માનવમૂલ્યોના સંબંધોને વધુ મજબુત કરવા માટે આત્મચિંતન કરીને બદલાવ લાવવા પર ભાર મૂકયો હતો.

આ અવસરે IMA સેક્રેટરી ડો.વિનેશ શાહે જણાવ્યું હતું કે, તબીબો અને પત્રકારો કપરી પરિસ્થિતિ વચ્ચે કાર્ય કરતા હોય છે. બન્ને એકબીજા વચ્ચે રહેલી ત્રુટીઓને કંઈ રીતે દુર કરી શકાય તેમજ મુશ્કેલીઓમાં પરસ્પર સાથે મળીને સમસ્યાનું સમાધાન લાવી શકાય તે દિશામાં દિશામાં કાર્ય કરવા પર ભાર મુકયો હતો. તેમણે કહ્યું કે, આવનારા ભવિષ્યમાં કેવી રીતે પત્રકારો અને ડોકટરો સાથે મળીને સમાજમાં સારૂ યોગદાન આપી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
દિવ્ય ભાસ્કર દૈનિકના નિવાસી તંત્રી વિજયસિંહ ચૌહાણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તબીબીક્ષેત્રને લગતા સારા-નરસા સમાચારો વિશે માહિતી આપીને ડોકરટો અને પત્રકારોએ એકબીજાની વચ્ચે સંવાદિતતા માધ્મયથી કાર્ય કરવા પર ભાર મુકયો હતો.

ધબકાર દૈનિકના તંત્રી નરેશ વરિયાએ જણાવ્યું હતું કે, જયારે નવા પત્રકારો પત્રકારત્વ ક્ષેત્રમાં આવતા હોય છે ત્યારે તેમના માટે પત્રકારત્વની પ્રથમ શાળાના સ્વરૂપમાં સિવિલ અથવા તો સ્મીમેર હોસ્પિટલો હોય છે. તબીબો સાથે રહીને પત્રકારત્વના પહેલા પગથિયાં ચઢીને તેમનું ઘડતર થતુ હોય છે. કોમ્યુનિકેશન ગેપના કારણે વાતનું વતેસર અથવા માહિતીદોષ રહી જતો હોય છે. જેથી સાથે મળીને પરસ્પર સહકારની ભાવના સાથે આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે સિવિલના ટીબી વિભાગના હેડ અને આઈ.એમ.એ.ના જોઈન્ટ સેક્રેટરી પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, તબીબો અને મીડિયા વચ્ચે મજબૂત કમ્યુનિકેશન હોવું જરૂરી છે. તબીબોએ મીડિયાથી દુર ન ભાગતા તેમની સાથે રિલેશન રાખીને સાચી વાત રજુ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે IMA પ્રમુખ ડૉ.યોગેશકુમાર દેસાઈ, જર્નાલીસ્ટ ફેડરેશન પ્રમુખ મનોજ શિંદે અને જનરલ સેક્રેટરી તેજશ મોદી, ખબર છે.ડોમ કોમના વિરાંગ ભટ્ટ, IMA સેક્રેટરી ડો.વિનેશ શાહ, પ્રશાંત દેસાઈ તેમજ મોટી સંખ્યામાં શહેરના નામાંકિત તબીબો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *