
સુરત, 26 ડિસેમ્બર : સુરત જીલ્લામાં અકસ્માતોનું પ્રમાણ ધટે તેવા આશયથી સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં માર્ગ સુરક્ષા માટે રખડતા પશુઓને લીધે થતા અકસ્માતો તથા બ્લેક સ્પોટને કારણે થતા જીવલેણ અકસ્માતો, સુરતથી ભરુચ વચ્ચેના એન.એચ-48 હાઈવેનું નિયમિત સમારકામ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કાયદાકીય રીતે વર્તમાન વર્ષે થયેલા કેસોની વિગતવાર માહિતી આર.ટી.ઓ.અધિકારીએ આપી હતી. RTO દ્વારા જિલ્લામાં કુલ 2396 કેસોની સામે રૂ.51.36 લાખ અને પોલીસ વિભાગ દ્વારા 27,911 કેસોની સામે રૂ.60.63 લાખની દંડનીય વસુલાત કરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. આ સિવાય જિલ્લામાં 13 નેશનલ હાઈવે તથા 2 સ્ટેટ હાઈવે પરના બ્લેક સ્પોટમાં જરૂરીયાત મુજબ સાઈનબોર્ડ, સુધારણા સહિતના વિષય પર વિગતવાર ચર્ચા કરી કલેકટરએ જરૂરી સૂચનો કર્યા હતા.
માર્ગ પરિવહનની સુરક્ષા અંગેની બેઠકમાં રોડ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ માટે નિયત કરેલ ધારાધોરણ અનુસાર રાજય સરકાર તરફથી વાહન અકસ્માત યોજના હેઠળ મળતી રૂ.50,000 ની સહાય વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રાઈવેટ હોસ્પિટલોને સહકાર આપવાની તાકીદ કરી હતી. કોઈ પણ એક્સિડન્ટ સમયે ઘટના સ્થળે મદદ કરનાર નાગરિકોને પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની પૂછપરછ કે હેરાનગતિ નહિ થાય તેમજ તેઓને રાજય સરકાર દ્વારા આપવામાં આવતો ગુડ સ્માર્ટીયન એવોર્ડ તથા એક લાખના પુરસ્કારની જાણકારી આપવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક(ગ્રામ્ય) હિતેશ જોયસર, ઈ.ચા.પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એમ.આર.ગજ્જર, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેરના પ્રમુખ બ્રિજેશ વર્માં, સિવિલ આર.એમ.ઓ. ડૉ.કેતન નાયક, માર્ગ અને મકાન વિભાગ, હાઈવે ઓથોરીટી તથા માહિતી વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત