
સુરત, 27 ડિસેમ્બર : દેશની તમામ સરકારી હોસ્પિટલમાં કોરોના સંભવિત લહેરની તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. જેના ભાગરૂપે સુરત શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રએ સંતર્કતાના ભાગરૂપે ઈમરજન્સીના સમયે કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સમયસર સારવાર કરી શકાય તે માટેની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને લાવીને તત્કાલ વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામાં આવી હતી.

વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, કોવિડ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોચી વળવા માટે સિવિલ તંત્ર સજ્જ છે. હાલમાં 10 આઈ.સી.યુ.બેડ સહિત ગ્રાઉન્ડ ફલોર પર 45 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલમાં900થી વધુ બેડ ઉપલબ્ધ છે જે જરૂરીયાત અનુસાર વધારી શકાય છે. ચીન સહિતના દેશોમાં કોરોનાનો BF.7 વેરીયન્ટ વધતા જતા કેસોને ધ્યાને લઈને દેશભરની હોસ્પિટલો આજે મોકડ્રીલનુ આયોજન થયું છે. હોસ્પિટલમાં ઓકિસજન, ટેસ્ટિંગ, ઓપીડી સેન્ટર, બ્લડ ડોનેશન સેન્ટર, એકસ-રે, લેબોરેટરી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્ટાફને પણ તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મેડીસીન, માસ્કના જથ્થો પણ ઉપલબ્ધ છે.

આ મોકડ્રીલમાં કરંજના ધારાસભ્ય પ્રવિણ ધોધારી, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મેડીકલ કોલેજના એડીશનલ ડીન ડો.નિમેશ વર્મા, સિવિલના એડીશન સુપ્રિ.ડો.ધાત્રી પરમાર, કોવિડના નોડલ ઓફિસરના ડો.અમિત ગામીત તથા ડોકટરો, નર્સિગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત