
સુરત, 28 ડિસેમ્બર : કેન્દ્રીય રેલવે તેમજ ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોશ હૈદરાબાદના પ્રવાસે છે, પ્રવાસ દરમિયાન તેમણે હૈદરાબાદના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા વિવર્સ સર્વિસ સેન્ટર, નામપલ્લી ખાતે સ્થાનિક કલાકારો અને વણકરો દ્વારા ઉત્પાદિત થતાં વિવિધ પ્રકારના ક્વોલિટી પ્રોડક્ટને નિહાળી તેમની સાથે વાતચીત કરી હતી.

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમણે આ યોજનાઓ દ્વારા સ્થાનિક કલાકારો વિશેષ કરીને મહિલા કલાકારોની જીવન સરણી ઉપર થતી અસરોનો અભ્યાસ સભર માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સફળતા અને આત્મનિર્ભર ભારતની છબી સ્પષ્ટપણે ઉપસી આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે શિલ્પરામ અખિલ ભારતીય આર્ટસ અને ક્રાફ્ટસ મેળાની મુલાકાત લીધી હતી. અધિકારીઓને કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ કલાકારોને મળે એ પ્રમાણે પ્રયાસ કરવા સૂચના આપી હતી.

પ્રવાસ દરમિયાન સિકંદરાબાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને રેલવે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટ ની કેન્દ્ર સરકારની પહેલને મૂર્તિમંત સ્વરૂપ આપતા કલાકારો સાથે પણ વાતચીત કરી હતી.

તેમણે સાઉથ સેન્ટ્રલ રેલવે હેડક્વાટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને હાલ ચાલતી યોજનાઓની વિગતો મેળવી હતી અને કેન્દ્ર સરકારની મુસાફરોને વધુમાં વધુ સુવિધા આપવાની કલ્પનાને સાકાર કરવા માટે સૂચના અને આદેશ આપ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત