
સુરત, 29 ડિસેમ્બર : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સી.પી.વી.એમ. કોલેજમાં ગત તા.17/18 ડિસે. દરમ્યાન ગુજરાત રાજયની આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિકસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરના 310 જેટલા ખેલાડીઓ તથા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા સુરતની જીવનભારતી સ્પોર્ટ્સ કલબ-નાનપુરાના ખેલાડીઓએ 31 મેડલો જીતીને ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જીવનભારતીના એહતેસામ 6 ગોલ્ડ જયારે સ્મિત વસાવાએ 4 ગોલ્ડ મેળવી ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
સંસ્થાના મહામંત્રી કરણસિંહ ગોહિલ તથા કૌશિક ગોહિલના હસ્તે ખેલાડીઓને મેડલ, સર્ટીફીકેટ તથા અધિકારીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા. વિજેતા ખેલાડીઓને જીવનભારતી સંસ્થાના મહામંત્રી ડો.કેતન શેલત, એસો.ના પ્રમુખ પંકજ કાપડીયા, અવિનાશભાઈ સાળુંકે, અજીત શાહે અભિનંદન પાઠવ્યા હતા. ટીમના મેનેજર તરીકે ભદ્રીકા શાહ તથા જિનલ પચ્ચીગરે પ્રસંશનીય સહયોગ આપ્યો હતો. રાજપીપળા ખાતે ગુજરાત જિમ્નાસ્ટીક એસો.ના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે રણજીત વસાવાએ સેવા આપી હતી.આ સાથે કેરલના ત્રિવેન્દ્રમ ખાતે જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ અને કલકત્તા ખાતે યોજાઈ રહેલી સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેનાર આ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત