સુરત, 29 ડિસેમ્બર : ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃત્તિ માટે કચ્છ જિલ્લાના ભુજ ખાતે ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક’ અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, ત્યારે આ હતભાગી મૃતકોના પરિવાર અને સગા સબંધીઓ સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી શકે એ હેતુથી તેમને ભુજ ખાતે ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય’ની મુલાકાતે લઈ જવામાં આવશે. આ પ્રવાસમાં સુરત જિલ્લા વહીવટી તંત્રની એક યાદી મુજબ સુરત જિલ્લાના 46 મૃતકોના પરિવારજનોને પણ સામેલ કરાશે. સુરતમાં ભૂકંપ સમયે મૃત્યુ પામેલા હતભાગીઓના સ્વજનોએ અઠવાલાઈન્સ ખાતેના જનસેવા કેન્દ્રની બાજુમાં આવેલ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલનો સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે. પરિવારજનો નામ તથા કોન્ટેક્ટ સાથેની વિગતો 56.vahivatsurat@gmail.com ઈમેલ પણ મોકલી શકે છે.
‘સ્મૃતિવન અથવા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું 2001ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન છે. જે 26 જાન્યુઆરી 2001ના રોજ થયેલા ધરતીકંપ અને ગુજરાતના પુનઃનિર્માણ અને આપત્તિમાંથી બેઠા થવાની ખુમારી દર્શાવે છે. રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં મૃતકોના પરિજનોને ભુજ સ્મૃતિવન સ્મારક ખાતે લઈ જઈ શ્રદ્ધાંજલિ, વૃક્ષારોપણ, ભજન કીર્તન સહિતના કાર્યક્રમ યોજાશે એમ સી.ઈ.ઓ.(ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી)ની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત