સુરત : શહેરના કેબલબ્રિજ પર 25 દિવસના બાળકને મૂકીને નાસી ગયેલા માતા-પિતા ઝડપાયા

સ્થાનિક
Spread the love

સુરત, 3 જાન્યુઆરી : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા કેબલ સ્ટેઇડ બ્રિજ પર ગત 19મી ડિસેમ્બરના રોજ એક નાના બાળકને મૂકીને તેના માતા-પિતા નાસી ગયા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.સાવ નાના બાળકને આ રીતે મા બાપ છોડીને પલાયન થઇ જતા ચોમેરથી આ ઘટનામાં લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.જોકે, સુરત પોલીસે આ બાળકના મા-બાપને ઝડપી એવા કમર કસી હતી અને સતત તપાસ ચાલુ રાખી હતી. આખરે, સુરત શહેરના પાલનપુર જકાતનાકા પાસેથી જ આ બાળકનાં માતા-પિતાને ઝડપાતા આખરે પોલીસ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ઝડપાયેલા આ બાળકના માતા-પિતાએ આર્થિક સંકડામણને કારણે બાળક ત્યજ્યું હોવાનું જણાવ્યું હતું.
ગત દિવસોમાં બનેલી આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બાળકને મૂકી જનારાં પતિ-પત્ની વલસાડ તરફ ટ્રેનમાં અને બાદમાં તેઓ મુંબઈ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાતમીદારોએ તેઓ પરત સુરત આવ્યા હોવાની જાણ પોલીસને કરી હતી. પાલનપુર જકાતનાકા પાસે બધા શ્રમિકો ભેગા થાય છે ત્યાં તેઓ આવ્યા હતા અને પોલીસે તે બન્ને ને ઝડપી લીધા હતા.ઝડપાયેલું આ દંપતી મૂળ મહેસાણાનાં રહેવાસી છે.આ દંપતીમાં મહિલા કોઈ કામ કરતી ન હતી જયારે તેનો પતિ જ કામ કરતો હતો.રોજે રોજ મજૂરી કરીને આવેલા પૈસામાંથી ઘર ચલાવતા હોઈને બાળકનું ભરણપોષણ કરવું ખૂબ જ કપરું હતું.તેથી લાચારીમાં આ બાળકને ત્યજવાનો નિર્ણય લીધો હતો.
અડાજણ પોલીસે અલગ અલગ સ્થળના 100 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને આખરે આ માં-બાપને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.બાળક હજી પણ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા દેખરેખ હેઠળ છે.બાળકની તબિયત હાલ તંદુરસ્ત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *