
સુરત, 4 જાન્યુઆરી : દીકરી જન્મને પ્રોત્સાહન મળે, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ, સલામતિ અને સુરક્ષાના ધ્યેય સાથે ઉમરપાડા તાલુકાકક્ષાએ આવેલી આદર્શ નિવાસી સરકારી કન્યા છાત્રાલય ખાતે ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ તાલુકા પંચાયતના પ્રમુખ શારદા ચૌધરીના અધ્યક્ષ સ્થાને “સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન” મેળો યોજાયો હતો.
આ અવસરે શારદા ચૌધરીએ નાની ઉંમરમા લગ્ન ન કરવા તેમજ કિશોરીઓને શિક્ષિત બની સશક્ત બનવા પ્રેરણા આપી હતી. જ્યારે કોમલ ઠાકોરે કિશોરીઓને ભણતરમાં લક્ષ્ય નક્કી કરી સમાજમાં ગૌરવપુર્ણ જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી. કિશોરીઓએ ઉપસ્થિત તમામને પોષણ સપથ લેવડાવ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો એ સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લીધો હતો.

આ મેળામાં ઉમરપાડાના કોન્સ્ટેબલ ભારતી વાઘેલાએ કિશોરીઓને સ્વ-બચાવની તાલીમ આપી હતી. શાળાએ ન જતી 15 કિશોરીઓ કે જેઓ ITI ઉમરપાડા ખાતે પ્રવેશ મેળવ્યો હોય તેઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. કુ. ટવીંકલવસાવા અને કુ. નિધિ વસાવા દ્વારા તેઓના આંગણવાડી સાથેના અનુભવો પણ જણાવ્યા હતા. કુ.નેહા કાંતિલાલ ગામિત અને કુ. કૃતિ વસાવાને HB ક્વીન તરીકે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં દરિયા વસાવા જિલ્લા પંચાયત સભ્ય , કોમબેન ઠાકોર, પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ સુરત, દર્શના ચૌધરી, બાળ વિકાસ અધિકારી ઉમરપાડા, છગન વસાવા વિસ્તરણ અધિકારી તેમજ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓએ ઉપસ્થિત રહીને આંગણવાડીના કાર્યકરો, કિશોરીઓ તથા વાલીઓને જુદી જુદી યોજનાઓની માહિતી પુરી પાડવામાં આવી.
નોંધનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ઓઇ.સી.ડી.એસ ખાતે વર્ષ 2018-19થી “પુર્ણા” યોજના (100% રાજ્ય પુરસ્કૃત) તથા મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ વર્ષ 2015થી “બેટી બચાવો બેટી પઢાવો” યોજના (100% કેન્દ્ર પુરસ્કૃત) યોજના તથા “વહાલી દિકરી યોજના” (100% રાજ્ય પુરસ્કૃત) વર્ષ 2019થી કાર્યાન્વિત છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત