સુરતમાં ઉદ્યોગકારોને કેમિકલ વેપન્સ કન્વેન્શન વિષે વિસ્તૃત જાણકારી અપાઇ

વેપાર જગત
Spread the love

સુરત, 4 જાન્યુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેમિકલ વેપન્સ કન્વેન્શન– હેલ્પ ડેસ્ક, આઇસીસી– વડોદરા અને નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન્સ કન્વેન્શન, કેબિનેટ સેક્રેટરીએટ– નવી દિલ્હીની સાથે મળીને મંગળવાર, તા. 3 જાન્યુઆરી, 2023ના રોજ બપોરે 2 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘કેમિકલ વેપન્સ કન્વેન્શન’વિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે કેમિકલ વેપન્સ કન્વેન્શન– હેલ્ડ ડેસ્ક, આઇસીસી– વડોદરાના એડવાઇઝર રાજુ પટેલે કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સરકાર પાણી બચાવવા તથા જમીનની ફળદ્રુપતા બની રહે તે માટે ઘણા પ્રયાસ કરી રહી છે. આથી ઉદ્યોગોએ હવે ઇકોનોમિક સસ્ટેનેબલ ગ્રોથની દિશામાં પ્રયાસ કરવો પડશે. તેમણે કેમિકલ વેપન્સ કન્વેન્શનનું અમલીકરણ તા. 29 એપ્રિલ 1997થી કરવામાં આવ્યું હતું તેમ જણાવ્યું હતું.
વકતા રાજુ પટેલે ઉદ્યોગકારોને કેમિકલ વેપન્સ કન્વેન્શન એકટ 2000 વિષે માહિતી આપી હતી. વૈશ્વિક કક્ષાએ આ કાયદાની ઉદ્ભવેલી જરૂરિયાત વિષે ઉદ્યોગકારોને વિસ્તૃત સમજણ આપી હતી. કેમિકલ ઉદ્યોગકારો દ્વારા જે વિવિધ કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે તથા નિર્યાત કરવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં ઉદ્યોગકારોએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતોથી તેમણે તેઓને વાકેફ કર્યા હતા.તેમણે ડેકલેરેશનના ક્રાઇટેરિયા અને તેની અગત્યતા વિષે ઉદ્યોગકારોને મહત્વની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે ડેકલેરેશન ફોર્મ ભરવા, ફાઇલ કરવા તેમજ તેને ફ્રીઝ કરવા સુધીની પદ્ધતિ અંગે લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતેથી નેશનલ ઓથોરિટી ફોર કેમિકલ વેપન્સ કન્વેન્શનના બિજય કુમાર ખાસ ઉપસ્થિત રહયાં હતાં. ધી સુરત કલર કેમિકલ મર્ચન્ટ્સ એસોસીએશનના માનદ્ ખજાનચી મનિષ હજીરાવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના કન્વીનર કે. બી. પિપલિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી વકતાનો પરિચય પણ આપ્યો હતો. ઉદ્યોગકારોના વિવિધ સવાલોના વકતાએ જવાબો આપ્યા હતા. આઇસીસી– ગુજરાતના ઇવેન્ટ્સ હેડ આરત શેઠે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *