
સુરત : મહુવા-જેસર તાલુકા સરદાર પટેલ સમાજ દ્વારા મોટા વરાછા,અબ્રામા રોડ સ્થિત હરેકૃષ્ણ ફાર્મમાં આગામી રવિવારે 8મી જાન્યુઆરી-2023ના રોજ સાતમો સ્નેહમિલન સમારોહ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સાંજે 5 કલાકે આયોજિત આ કાર્યક્રમમાં 21 હજારથી વધુ લોકો વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહેવાનો સંકલ્પ લેશે.આ કાર્યક્રમની સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું લેપટોપ, ટેબલેટ,સાયકલ જેવા મૂલ્યવાન ઇનામો આપવામાં આવશે.આ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપવા માટે પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા શુક્રવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળા એ જણાવ્યું હતું કે આ સમારોહની સાથે સાથે રક્તદાન કેમ્પ તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવશે તેમજ મોટિવેશનલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બગદાણા ગુરૂઆશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મનજીબાપાના વરદ હસ્તે કરવામાં આવશે.આ સમારોહમાં 42 ગામોના પરિવારો ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વિવિધ રાજકીય તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ,સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.

આ પત્રકાર પરિષદમાં પરબત બગદાણાવાળા, રમેશ પાંચાણી સહિતના પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા સૌ મીડિયાકર્મીઓને ભાજપ યુવા અગ્રણી અને સમાજસેવી પ્રવીણ ભાલાળાએ આવકાર્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત