
સુરત : દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી અંગદાન માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજે, વધુ ને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે ડોનેટ લાઈફ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રવિવારે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. શહેરીજનોને પતંગ પર ઓર્ગન ડોનેશનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ જુદા-જુદા પોસ્ટરો દ્વારા પણ અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

આ પતંગોત્સવમાં ઓક્ટોબર, 2021માં ધાર્મિક કાકડિયા નામના 14 વર્ષના બાળકના બંને હાથ, પુના ના 31 વર્ષીય યુવાન પ્રકાશમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, પ્રકાશ તેના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યો હતો. હાથના ટ્રાન્સપ્લાન્ટ થી નવુજીવન મેળવનાર પ્રકાશ અને તેનો પરિવાર ખુબ જ ખુશ હતો. પ્રકાશે જણાવ્યુ હતું કે તે સ્વ.ધાર્મિક ના હાથ વડે સતકર્મો કરશે.

જાન્યુઆરી 2022માં કનુભાઈ પટેલ નામના 67 વર્ષીય પ્રૌઢના બંને હાથ ઔરંગાબાદની 35 વર્ષીય મહિલા અનિતામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અનિતા તેના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. સ્વ.કનુભાઈ પટેલનો પરિવાર જયારે અનિતા ને મળ્યો ત્યારે સ્વ.કનુભાઈના પરિવારના સભ્યોને એવી લાગણી થઈ હતી કે અમારા પિતા અમને આર્શિવાદ આપી રહ્યા છે.

પ્રકાશ અને અનીતા સાથે શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ હાથ મેળવ્યા ત્યારે દરેક વ્યક્તિ રોમાંચિત થઇ ગયા હતા અને એક અલગ પ્રકારનો આનંદ દરેકના ચહેરા ઉપર હતો. પ્રકાશ અને અનિતાએ ડોનેટ લાઈફન માધ્યમ થી દાનમાં મળેલ સ્વ.ધાર્મિક અને સ્વ.કનુભાઈના હાથ વડે પતંગ ચગાવ્યા હતા ત્યારે ઉપસ્થિત દરેક વ્યક્તિએ આ ક્ષણને તાળીઓથી વધાવી લીધી હતી.

સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર હેમાલી બોઘાવાલા અને ધારાસભ્ય પુર્ણેશ મોદીએ પ્રકાશ અને અનિતાનું શાલ અને બુકે આપી તેઓના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. સુરત એરપોર્ટ ડાયરેક્ટ અમન શૈનીએ પણ બધાજ ઓર્ગન ડોનર પરિવારોને તેમના સ્વજનના અંગદાનના લીધેલા નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઓર્ગન મેળવનાર વ્યક્તિઓને તેઓના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પતંગોત્સવમાં જીએસટી ચીફ કમિશ્નર પંકજ સિંઘ, CBDTના ભૂતપૂર્વ મેમ્બર આદિત્ય વિક્રમ, છાંયડાના ચેરમેન ભરત શાહ, પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના ચેરમેન હેમંત કોન્ટ્રાક્ટર, શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટટ પ્રદીપ સિંધી, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો, વિવિધ સ્કૂલો-કોલેજોના NCC અને NSS ના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈફને તેઓએ કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
અંગદાન…જીવનદાન…
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો
⇒ https://www.donatelife.org.in/
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત