સુરત, 9 જાન્યુઆરી : આઝાદીના 75 વર્ષ-અમૃત મહોત્સવ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે 19 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે આઇકોનીક ઇવેન્ટ યોજાનાર છે.ત્યારે હરીપુરા ગ્રામજનો માટે આનંદ અને ખુશીનો માહોલ છે.

હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક સપ્તાહ સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે, અહીં સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. ઇ.સ 1938માં હરિપુરા ગામે યોજાયેલ અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરણી કરાઈ હતી. જેથી આ વર્ષ ખૂબ જ અગત્યનું માનવા આવે છે. અધ્યક્ષ બનવાના સમયે તેઓ હરીપુરા ગામના એક મકાનમાં રહી અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશમાંથી ઉખાડી શકાય તેની તમામ રણનીતિઓનું કેન્દ્ર આ મકાન બન્યું હતું.

હરિપુરા ગામના સરપંચ આશા ચૌધરીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરતમાં આઝાદીની રાષ્ટ્રીય લડતનું કેન્દ્ર હરિપુરા ગામ રહ્યું હતું.સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી હરિપુરા થવાની છે, એ જાણીને ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ છે. કારણ કે સૌના લોકલાડીલા અને આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપનાર સુભાચંદ્ર બોઝ હરિપુરાગામના મહેમાન બન્યા હતાં.ગ્રામજનોના ઉત્સાહપૂર્ણ સહયોગથી નિયમિતપણે, આઝાદી દિન, ગણતંત્ર દિન, મહિલા દિવસ, માતૃભાષા દિવસ, સુભાષચંદ્ર બોઝ જયંતિ, શિક્ષક દિન જેવા વિવિધ ખાસ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આગામી તા.19 જાન્યુઆરીના દિવસે સુભાષચંદ્ર બોઝ જયંતિના ભાગરૂપે વિવિધ પ્રોગામ, રેલી,યાત્રાનું ભવ્ય આયોજન હરિપુરા ગામે કરવામાં આવી રહ્યું છે, ત્યારે પણ અમે સૌ ભેગા મળી ઈતિહાસને દોહરાવશું અને રેલી,યાત્રા તથા કાર્યક્રમમાં આવનાર તમામ મહાનુભવો તેમજ અધિકારીઓનું ભવ્ય સ્વાગત કરીશું અને પુરો સહયોગ આપીશું તેમ તેમણે ઉમેર્યું હતું.સુભાષચંદ્ર બોઝની સ્મૃત્તિ જીવંત રાખવા ગામના લોકો દ્વારા ગામમાં જે મકાનમાં સુભાષબાબુએ અઠવાડિયું રોકાણ કર્યું હતું. ત્યારે જે સામગ્રી મકાન હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં છે, ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાય રહ્યું છે.જેની સાફ-સફાઇની તમામ જવાબદારી ગામજનો દ્વારા કરવામાં આવે છે.સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શકયા નથી.આજે પણ તેમના જવા પછી પણ આ મકાન ખાલી છે.ગામના કોઈ પણ લોકો આ મકાનમાં રહેતા નથી.સુભાષબાબુની હરિપુરા સાથે જોડાયેલી તમામ ઐતિહાસિક યાદોને જીવંત રાખીશું એમ તેઓ જણાવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત