‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નો બાંગ્લાદેશ ખાતેના ભારતના એમ્બેસેડર પ્રણય વર્માના હસ્તે શુભારંભ

વેપાર જગત
Spread the love

સુરત,12 જાન્યુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત 11થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ઇન્ટરનેશનલ કન્વેન્શન સિટી,બસુંધરા, ઢાકા, બાંગ્લાદેશ ખાતે પ્રથમ વખત ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા તથા એકઝીબીશન ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગત પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સની સાથે બાંગ્લાદેશ ખાતે હાજર રહયાં છે.

બુધવાર ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે બાંગ્લાદેશ ખાતેના ભારતના એમ્બેસેડર પ્રણય વર્મા (આઇ.એફ.એસ.) ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બાંગ્લાદેશના સંસદ સભ્ય શફીલ મોહીઉદ્દીન, બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશનના પ્રમુખ ફારૂક હસન, ફેડરેશન ઓફ બાંગ્લાદેશ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મોહંમદ જશીમ ઉદ્દીન અને ભૂતપૂર્વ પ્રમુખ મોહંમદ મોઝીમ મોતી અને એએસકે ટ્રેડ એન્ડ એકઝીબીશન્સ પ્રા.લિ.ના ડાયરેકટર નંદા ગોપાલ કે. સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરતમાં બનતા યાર્ન, ફેબ્રિકસ, ગારમેન્ટ અને એસેસરીઝ માટે બાંગ્લાદેશમાં ખૂબ જ વિશાળ માર્કેટ છે. આથી સુરતના વેપારીઓ સરળતાથી પોતાની પ્રોડકટ બાંગ્લાદેશમાં એક્ષ્પોર્ટ કરી શકે તે હેતુથી તેઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ચેમ્બર દ્વારા ઢાકા ખાતે આ એકઝીબીશન યોજાયું છે. જેમાં સુરતના 60 જેટલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરી રહયાં છે.આગામી દિવસોમાં બાંગ્લાદેશ કોટનને બદલે મેન મેઇડ ફેબ્રિકસના ગારમેન્ટીંગ ઉપર ફોકસ કરવા જઇ રહયું છે ત્યારે ભારતમાં મેન મેઇડ ફેબ્રિકસના કુલ ઉત્પાદનમાંથી 60 ટકા ઉત્પાદન એકમાત્ર સુરતમાં જ થાય છે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો આ તકનો સીધો લાભ લઇ શકે તેમ છે. બાંગ્લાદેશ એ યાર્ન, કોટન, નીટેડ એન્ડ વુવન ફેબ્રિકસ સૌથી વધારે ઇમ્પોર્ટ કરે છે અને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોની આ ફેબ્રિકસના ઉત્પાદનમાં માસ્ટરી છે. આ ઉપરાંત ભારતમાં 350 પ્રકારના વિવિધ ફેબ્રિકસનું ઉત્પાદન થાય છે અને બાંગ્લાદેશ ખાતે એના એક્ષ્પોર્ટ માટે ઘણો સ્કોપ છે.

બાંગ્લાદેશ ખાતેના ભારતના એમ્બેસેડર પ્રણય વર્માએ જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશના વ્યાપારિક સંબંધો ઘણા સારા છે અને ભવિષ્યમાં આ સંબંધો વધુ વિકસે તે માટે બંને દેશોની સરકારો પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશ ગારમેન્ટીંગ એક્ષ્પોર્ટ ઉપર વધારે ફોકસ કરી રહયું છે ત્યારે એના માટે વિવિધ કવોલિટી ફેબ્રિકસની જરૂરિયાત ઉભી થવાની છે. તેમણે એકઝીબીશનમાં ભાગ લેનારા સુરતના તમામ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોના દરેક સ્ટોલની વ્યકિતગત મુલાકાત લઇ તેઓની સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો.સુરતના ઉદ્યોગકારો માટે બાંગ્લાદેશમાં સીધું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તેમણે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રયાસને બિરદાવ્યો હતો. સાથે જ તમામ એકઝીબીટર્સને પણ ગ્લોબલ માર્કેટમાં અન્ય દેશોની સાથે સ્પર્ધાત્મક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બાંગ્લાદેશના સંસદ સભ્ય શફીલ મોહીઉદ્દીને જણાવ્યું હતું કે, હાલ બાંગ્લાદેશ વાર્ષિક 44 બિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરે છે અને આગામી પાંચ વર્ષમાં તેઓ આ એક્ષ્પોર્ટને 100 બિલિયન યુએસ ડોલર સુધી લઇ જઇ રહયાં છે. બાંગ્લાદેશની સરકારે આ દિશામાં પ્રયાસ શરૂ કર્યા છે અને એનો સીધો લાભ ભારત અને તેમાં પણ ખાસ કરીને સુરતે લેવો જોઇએ.
બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશનના પ્રમુખ ફારૂક હસને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરો હવે કોટનને બદલે મેન મેઇડ ફેબ્રિકસ તરફ વળી રહયાં છે. જેનો પણ સીધો લાભ સુરતના ઉદ્યોગકારોએ લેવો જોઇએ.બાંગ્લાદેશના ગારમેન્ટ ઉત્પાદકોએ કોટનમાંથી એમએમએફ તરફ ડાયવર્ડ થવા અંગે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા સાથે વન ટુ વન મિટીંગ કરી હતી. સાથે જ મેન મેઇડ ફેબ્રિકસનું ઉત્પાદન કરનારા સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો તરફથી તેઓને માર્ગદર્શન મળી રહે તે માટે અનુરોધ પણ કર્યો હતો.
ફેડરેશન ઓફ બાંગ્લાદેશ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મોહંમદ જશીમ ઉદ્દીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં ચાર હજારથી વધુ ફેકટરીઓ આવેલી છે. જ્યાંથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, સલવાર સ્યુટસ, બ્રાઈડલ વેર, ડિઝાઈનર વસ્ત્રો, ગાઉન્સ અને કુર્તીઓ, લેડીઝ વેર, ઈન્ડો વેસ્ટર્ન વેર અને શર્ટસ, ટ્રાઉઝર, ટી શર્ટ, ડેનિમ, જેકેટ્સ જેવા કેઝ્યુઅલ વસ્ત્રો તથા નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એક્ષ્પોર્ટ થાય છે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને બાંગ્લાદેશનું સીધું માર્કેટ મળી શકે છે.
આ એકઝીબીશનમાં ગારમેન્ટ એક્ષ્પોર્ટર્સ એન્ડ મેન્યુફેકચરર્સ, ઇમ્પોર્ટર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, હોલસેલર્સ, ફેશન ડિઝાઇનર્સ, વેપારીઓ, ડિઝાઇન સ્ટુડીયો એન્ડ ઇન્સ્ટીટયુટના સંચાલકો મળી બે દિવસમાં જેન્યુન બાયર્સોએ મુલાકાત લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો દ્વારા યાર્ન, સિન્થેટિક યાર્ન, મેન મેઇડ યાર્ન, મેન મેઇડ ફેબ્રિકસ, સિન્થેટિક ફેબ્રિકસ, નેચરલ એન્ડ બ્લેન્ડેડ ફાઇબર્સ, ફાઇન યાર્ન ડાયડ શર્ટીંગ, વુલ, પોલિએસ્ટર–વુલ અને પોલિએસ્ટર વિસ્કોસ સ્યુઇટીંગ, પ્યોર એન્ડ બ્લેન્ડેડ લિનન, ફાઇન હાય એન્ડ સિલ્કસ, ફેશન ડ્રેસ મટિરિયલ્સ, ડેનિમ, કોટન ટવીલ્સ એન્ડ ડ્રીલ્સ, ગારમેન્ટ્સ, એથનિક એન્ડ સ્પોર્ટસ વેર, નેરો ફેબ્રિકસ, એસેસરીઝ વિગેરેનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *