
સુરત, 12 જાન્યુઆરી : રાજય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વ સંદર્ભે અબોલ પક્ષીઓના રક્ષણ માટે તા.20મી સુધી કરૂણા અભિયાન યોજાશે, જેના ભાગરૂપે સુરત શહેરમાં પતંગની દોરીઓના કારણે ઘાયલ થયેલા પક્ષી પંખીઓને તુરંત સારવાર મળે તે માટે વન ભવન, અડાજણ ખાતે વિશેષ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. પંખીઓના રેસ્ક્યું માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જાગૃત્ત નાગરિકો, સેવાભાવી સંસ્થાઓને ઘાયલ પક્ષીઓ જણાય તો હેલ્પલાઈનના નં.9909730030 ઉપર કોલ કરીને મદદરૂપ થઈ શકશે. રાજ્ય સરકારની 1962 કરૂણા અભિયાન હેઠળ 6 જેટલી એમ્બ્યુલન્સ અને પશુ ચિકિત્સકો પણ આ દિવસોમાં સેવારત રહેશે.
સુરત શહેર-જિલ્લામાં પતંગ ઉત્સવ (ઉતરાયણ)ના માહોલ દરમિયાન ધારદાર દોરાના કારણે આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓને ઈજાઓ ન થાય તે રીતે પતંગ ઉડાવવા તેમજ ચાઇનીઝ માઝા, દોરીનો ઉપયોગ ન કરવા પતંગ પ્રેમીઓને વન વિભાગના ડી.સી.એફ. સચિન ગુપ્તા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કરૂણા અભિયાનમાં પશુપાલન વિભાગ અને 12 જેટલી સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને તેમના સ્વયંસેવી યુવાનો અને પશુ ચિકિત્સકો પણ સેવા આપશે.30 જેટલા સરકારી અને સંસ્થાકીય સેન્ટરો પર ઘાયલ પક્ષીઓની માટે તબીબી ટીમ તૈનાત રહેશે, જેમાં કામધેનુ યુનિવર્સિટીના નવસારી સ્થિત યુનિટના વેટરનરી તાલીમાર્થીઓ પણ સેવા આપશે.સુરત શહેરમાં ચોક, બડેખાં-ચકલા વિસ્તારમાં અને પટેલનગર સરકારી દવાખાનું સેવામાં કાર્યરત રહેશે, અને તાલુકા કક્ષાના તમામ સરકારી પશુ સારવાર કેન્દ્રો ઉપર પણ રેસ્ક્યુ અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત