
સુરત, 12 જાન્યુઆરી : નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતની ૧૧મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક અસ્પી શકીલમ કોલેજ ઓફ બાયોટેકનોલોજી, ઘોડદોડ રોડ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં માર્ગદર્શન આપતા યુનિ.ના કુલપતિએ જણાવ્યું કે, કેવિકે એ ખેડૂતો અને સંશોધનને જોડતી અગત્યની કડી છે. ખેડુતોની આવક વધારવા સોઈલ હેલ્થ મેનેજમેન્ટ, શેરડીમાં સિંગલ આઈબડ, કેળમાં ટીશ્યુ કલ્ચરથી માઈક્રો પ્રોપેગેશન, નવા પાકો જેવા કે ડ્રેગન ફુટ, દિવેલા અને કાળા તલની ખેતી પર તેમણે વિશેષ ભાર મૂક્યો. આ ઉપરાંત, ખેતીવાડી ખાતાના અધિકારીઓ તથા વિવિધ એન.જી.ઓ.એ કેવિકે-સુરતની કામગીરીને બિરદાવી જરૂરી સુચનો તથા મંતવ્યો રજુ કર્યા. કુલપતિ, યુનિવર્સિટીના પાક વૈજ્ઞાનિકો, ટેરેસ ગાર્ડન સાથે સંકળાયેલા તાલીમાર્થી, સુરૂચિ સંસ્થા, બારડોલી નાબાર્ડના મેનેજર વગેરેએ ખેડુતો માટે વિશેષ ઉપયોગી સુચનો કર્યા હતા.

બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.જે.એચ.રાઠોડ, ગૃહ વૈજ્ઞાનિક પ્રો.ગીતા જી.ભીમાણી, વૈજ્ઞાનિક એસ.જે.ત્રિવેદી, યુનિ.ની વિસ્તરણ પાંખના વડા ડો.એન.એમ.ચૌહાણ, પ્રો.ભકિત પંચાલ, ડૉ.આર.કે.પટેલ સહિત વિસ્તરણ શિક્ષણ નિયામક, ન.કૃ.યુ., નવસારી, ખેતીવાડી ખાતાના પ્રોજેકટ ડાયરેકટર, જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરત, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો, જિલ્લામાં કાર્યરત વિવિધ એન.જી.ઓ. ખેતીવાડી પશુપાલન શાખાના અધિકારીઓ, નાબાર્ડના મેનેજર, સુમુલ ડેરીના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડુતો, ટેરેસ ગાર્ડનની પ્રવૃતિ સાથે સંકળાયેલ બહેનો સહિત કુલ 39 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત