સમસ્યાઓ અને રજૂઆતોને પૂરતો ન્યાય આપવા લોકસેવક તરીકે તત્પર છું : વનમંત્રી મુકેશ પટેલ

સ્થાનિક
Spread the love

સુરત, 13 જાન્યુઆરી : વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડના ખુંટાઇ માતા મંદિર ખાતે ઓલપાડ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, આરોગ્ય, પીવાના પાણી, વિજળી, ગેસ કનેક્શન જેવા લોકપ્રશ્નોના નિરાકરણ તેમજ વિભાગીય કામગીરીની સમીક્ષા માટે પાણી પુરવઠા,સિંચાઇ, ડી.જી.વી.સી.એલ., ડ્રેનેજ, ગુજરાત ગેસ, માર્ગ અને મકાન સ્ટેટ/પંચાયત, સરપંચો, તલાટીઓ તથા અન્ય પદાધિકારીઓ તથા સુડા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી-અધિકારીઓ, સરપંચોને સંબોધતા મંત્રી પટેલે આમજનતાની સુવિધા માટે વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને માનવીય અભિગમ સાથે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કર્યો હતો. ઓલપાડમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોના લોકપ્રશ્નોના નિવારણ માટે પોતે હરહંમેશ પ્રતિબદ્ધ છે એમ જણાવતાં જનતા હોય કે પદાધિકારી, કોઈ પણ વ્યક્તિ લોકહિતને સ્પર્શતા પ્રશ્નો લઈને વિનાસંકોચે ગાંધીનગર આવી શકે છે. સમસ્યાઓ અને રજૂઆતોને પૂરતો ન્યાય આપવા લોકસેવક તરીકે તેઓ તત્પર છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય એ માટે પાણી, વીજળી, ડ્રેનેજ, સિંચાઈ, કૃષિ, મહેસુલ, આરોગ્ય પ્રશ્નોના નિવારણને સરકારે પ્રાથમિકતા આપી છે, ત્યારે ઓલપાડ વિસ્તારના તમામ ગામના સરપંચો, તલાટીઓ તેમજ જાગૃત લોકોને લેખિતમાં પોતાની રજૂઆત આપવા અને આ રજુઆતોને ન્યાય આપવા, સમાસ્યાઓનું નિરાકરણ કરવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.

તેમણે બેઠકમાં કહ્યું કે, ઓલપાડ તાલુકાના દરેક ગામમાં મંજુર થયેલા આવાસોની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે સરપંચો અને તલાટીઓને સૂચન કર્યું હતું. મંજુર થયેલ આવાસની રકમ ઉપાડ્યા પછી આવાસના મકાન ન બનાવનાર લાભાર્થીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવાની સુડાના અધિકારીઓને સુચના આપી હતી. સુડા દ્વારા મંજુર કરવામાં આવેલા આવાસોનું બાંધકામ લાભાર્થીઓ પોતાના પસંદગીના કોન્ટ્રાક્ટર પાસે કરાવી શકશે. ખેડૂતો કે સ્થાનિકોને પીવા અથવા સિંચાઈનાં પાણી માટે કોઈ પણ જાતની મુશ્કેલી ભોગવવી ન પડે એ માટે પાણી-પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓને સમયાંતરે તાલુકાઓની મુલાકાત લઇ સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોને ઝડપથી નિવારવા મંત્રીએ સુચન કર્યું હતું.

ઓલપાડ વિસ્તારની તમામ ખાડી પાસેના દબાણ દુર કરવા તેમજ ખાડીની સાફ સફાઇ માટે ડ્રેનેજ વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. ડી.જી.વી.સી.એલ. વિભાગે લોકોની રજૂઆતને ધ્યાને લઇ વિજળીની સમસ્યાનો ઉકેલ લાવવા, માર્ગ અને મકાન સ્ટેટ/પંચાયત વિભાગને રોડ-રસ્તાની મરામત કરવા,ગુજરાત ગેસ વિભાગના અધિકારીઓને વહેલી તકે ઓલપાડ વિસ્તારમાં ગેસ લાઈનનું કાર્ય પુર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમજ પર્યાવરણની સુરક્ષા અને શુદ્ધ આબોહવાના હેતુસર ઓલપાડના ગામોમાં ટૂંક સમયમાં નમો વડ વન તથા કવચ વન ઉભા કરાશે, જેમાં ગ્રામજનોએ સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, ઉપપ્રમુખ જશુ વસાવા, પ્રાંત અધિકારી સી.કે.ઉધાડ, તાલુકા વિકાસ અધિકારી એન.એમ.દોંગા, મામલતદાર એલ.આર.ચૌધરી, અગ્રણીઓ બ્રિજેશ પટેલ, જયેશ પટેલ,કિશોર રાઠોડ, વનરાજસિંહ બારડ, કિરણ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારી,સરપંચો, તલાટીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *