
સુરત, 13 જાન્યુઆરી : વન અને પર્યાવરણ, પાણી-પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત શહેરના અડાજણ સ્થિત વનભવન ખાતે સુરત જિલ્લાના ‘કરૂણા અભિયાન-2023’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ વનભવન ખાતે ઈજાગ્રસ્ત પક્ષીઓના ઈલાજ અને માવજત માટે નવનિર્મિત ‘શિડ્યુઅલ બર્ડ કલેક્શન સેન્ટર’નું લોકાર્પણ, ઘાયલ પક્ષીઓના લાઈવ ટ્રેકિંગ માટે ખાસ તૈયાર કરાયેલી ‘કરૂણા એપ’નું લોન્ચિંગ તેમજ ‘કરૂણા એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે,કરૂણા અભિયાનમાં રાજ્યની સમાજસેવી સંસ્થાઓ/NGO આગળ આવીને જીવદયાનું કાર્ય કરી રહી છે. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુપંખીઓના જીવ બચાવવા કાર્યરત રહેશે. કરૂણા એપના માધ્યમથી ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહેશે. મંત્રીએ મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને રાહદારીઓને થતી ગંભીર ઈજા અને જીવના જોખમને ઘટાડવા ચાઈનીઝ દોરાનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. સાથે જ અબોલ જીવો પ્રત્યે સંવેદના દાખવી તેમના રક્ષણ માટેના અભિયાનમાં મહત્તમ લોકો જોડાય તે જરૂરી છે, એમ જણાવી પક્ષીઓના રેસ્ક્યુ માટે ખાસ હેલ્પલાઈન નં.9909730030નો લાભ લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે વનવર્તુળ-સુરતના મુખ્ય વન સંરક્ષક સી.કે.સોનવણેએ શહેર-જિલ્લામાં પતંગોત્સવ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અર્થે કાર્યરત એન.જી.ઓ, 1252 સ્વયંસેવકો તેમજ 13 જેટલી સંસ્થાને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે સુરત વનવિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમાર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, તાપી નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, નવસારી કામધેનુ યુનિવર્સિટીના ડોકટરો, NGO સ્વયંસેવકો, વેટરનિટી ડોકટરો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અબોલ પક્ષીઓના રક્ષણ માટે દર વર્ષે જાન્યુઆરી માસમાં ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. જેમાં જિલ્લાના વિવિધ એન.જી.ઓ સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રયાસો હેઠળ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે અડાજણના વનભવન ખાતે ‘શિડ્યુઅલ બર્ડ કલેક્શન સેન્ટર’નું નિર્માણ કરાયું છે, જ્યાં ઘાયલ પક્ષીઓ માટે પ્રાણીઓના ડોકટર અને જરૂરી તમામ મેડિકલ કિટ ઉપલબ્ધ છે. સાથે જ સારવાર બાદ તેઓની માવજત માટેની સુવિધા પણ છે. આ વર્ષે પક્ષીઓને નહિવત ઈજા થાય અને ઘાયલ પક્ષીઓને તુરંત સારવાર મળી રહે એ હેતુથી અત્યાધુનિક ‘કરૂણા એપ’ વિકસાવવામાં આવી છે. જે રોજેરોજ ઘાયલ પક્ષીઓનું લાઈવ ટ્રેકિંગ કરી સારવાર હેઠળ, સ્વસ્થ, ઘાયલ કે મૃત્યુ પામેલા પક્ષીઓનું કરંટ લોકેશન જેવી અનેક વિગતો રોજેરોજ ચોક્કસ રીતે દર્શાવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત