હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધીની 17 કિ.મી.ની સાયકલ રેલીમાં બારડોલીનો 11 વર્ષીય હેત ગજ્જર જોડાયો

વ્યક્તિ વિશેષ
Spread the love

સુરત, 19 જાન્યુઆરી : બારડોલીના ઐતિહાસિક ઓળખ ધરાવતા હરિપુરા ગામેથી સુભાષબાબુની ૧૨૬મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધી 17 કિ.મી.ની સાયકલરેલી યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનો, યુવાનો સૌ કોઈએ ભાગ લીધો હતો. જેમાં નવાઈની વાત એ હતી કે, વહેલી સવારે 7 વાગે આયોજિત સાયકલ રેલીમાં 11 વર્ષિય હેત અમિતકુમાર ગજ્જરે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ યુવાનોને શરમાવે તેવા જુસ્સા સાથે સાયકલ ચલાવીને સૌને આશ્વર્યચકિત કર્યા હતા.

બારડોલી ખાતે રહેતા અને વામદોત સ્કૂલમાં અભ્યાસ કરતો હેત પોતાની માતા સાથે રેલીમાં ભાગ લેવા આવેલા નાનકડા હેત અમિતકુમાર ગજ્જરે અન્ય સાયક્લિસ્ટ સહિત સૌ નગરજનોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. નાનકડી સાયકલ ચલાવીને હેત હરિપુરાથી 17 કિ.મી.નું અંતર કાપીને બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમ સુધી પહોંચ્યો હતો. આ નાનકડા સાયક્લિસ્ટ હેતે રેલીમાં સૌ સાયકલવીરોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશ પટેલે પણ નાનકડા સાયકલવીરને સન્માનિત કર્યો હતો.

મોટો થઈને આઈ.પી.એસ.બનવાનું સ્વપ્ન હોવાનું હેતે જણાવ્યું હતું. હેતના માતા રીના ગજ્જર કહે છે કે, હેત નાનપણથી ભણવામાં હોશિયાર છે. બારડોલીના સાયક્લિસ્ટ ગ્રુપ અને નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા સાયકલ રેલી વિષે જાણીને નામ નોંધાવ્યું હતું. ભણવાની સાથે તે અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ રૂચિ ધરાવે છે. નાનપણથી રાષ્ટ્રભક્તિ અને સમર્પણના ભાવ સાથે હેત દરેક ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. આ અગાઉ પણ ‘વર્લ્ડ સાયકલ ડે’ના દિવસે હેતે 12 કિ.મી સાયકલ ચલાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *