સુરત : ચેમ્બર દ્વારા ‘મેકીંગ ટેક્ષ્ટાઇલ એમએસએમઇઝ ગ્લોબલી કોમ્પીટિટીવ વીથ ડિજીટલ’વિષે વર્કશોપ યોજાયો

વેપાર જગત
Spread the love

સુરત, 19 જાન્યુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નાસકોમ સીઓઇના સહયોગથીસમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘મેકીંગ ટેક્ષ્ટાઇલ એમએસએમઇઝ ગ્લોબલી કોમ્પીટિટીવ વીથ ડિજીટલ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ગાંધીનગર સ્થિત નાસકોમ સેન્ટર ઓફ એકસીલન્સના સિનિયર ડાયરેકટર એન્ડ સેન્ટર હેડ અમિત સાલુજાએ ઉદ્યોગકારોને પ્રોડકટનું ઉત્પાદન લેતી વખતે ક્ષતિઓ શોધીને કવોલિટી પ્રોડકશન વધારવા માટે ડિજીટલના ઉપયોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી એટલે સોફટવેરની અવેરનેસ લાવવાના હેતુથી આ વર્કશોપ યોજાયો હતો. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર (આઇઓટી)ની ભૂમિકા મહત્વની બની રહેશે. આથી તેમણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ડિજીટલનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું.
વકતા અમિત સાલુજાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આધુનિક મશીનરીનો ઉપયોગ થઇ રહયો છે અને લેબર હવે માત્ર મશીન ઓપરેટ કરી રહયાં છે. ઇન્ડસ્ટ્રીમાં 30થી 40 ટકા લઘુ ઉદ્યોગકારોએ સોફટવેર ટેકનોલોજી અપનાવી છે, પરંતુ એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર (આઇઓટી)નો સમાવેશ થતો નથી. જેથી ઇન્ડસ્ટ્રીમાં હવે હાર્ડવેરની સાથે સોફટવેર ઇન્સ્ટોલ કરવાની પણ જરૂરિયાત ઉભી થઇ છે. અહીં ટેકનોલોજીનો અર્થ સોફટવેર થાય છે.ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટી કંપનીઓ અને એસએમઇ કંપનીમાં ટેકનોલોજી એડોપ્શનમાં ખૂબ જ મોટો ગેપ છે. મોટી કંપનીઓએ આ દિશામાં રોકાણ ડબલ કરી દીધું છે. સોફટવેર કંપનીઓની મેન્યુફેકચરીંગ પ્રોડકટીવિટી વધારે છે, પરંતુ નાની કંપનીઓ ખર્ચ વધી જવાને કારણે અત્યારે ટેકનોલોજીમાં જતા ખચકાય છે. જો કે, વિવિધ સ્ટાર્ટ–અપ ટેકનોલોજી અપનાવી રહયાં છે તેમ છતાં તેઓને ઓટોમેશન ઉપર ફોકસ કરવો પડશે.ટેક્ષ્ટાઇલની કંપનીઓમાં સોફટવેર ટેકનોલોજી ડેટા એનાલિસિસ કરે છે અને સમસ્યાને શોધે છે. જેને કારણે સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે. મશીનમાં સોફટવેર ટેકનોલોજી લગાવવાથી મશીનો એકબીજા વચ્ચે ડેટા ટ્રાન્સફર કરે છે. મશીન ટુ મશીન ડેટા ટ્રાન્સફર થવાથી એ મશીન ઓપરેટરને ચોકકસ ડેટા આપે છે. જેની મદદથી ડેઇલી, વિકલી તથા મન્થલી પ્રોડકશન પ્લાન બનાવી શકાય છે. તેમણે ઉદ્યોગકારોને શરૂઆતમાં પાંચ મશીનમાં સોફટવેર ટેકનોલોજી અપનાવવા સૂચન કર્યું હતું. રિઝલ્ટ મળ્યા બાદ આખા પ્લાન્ટ લેવલ પર જઇ શકાય છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સનું સોફટવેર ઘણી મદદ કરે છે અને સારા આઉટપુટ માટે સૂચન કરે છે. આ સોફટવેર મિકેનિકલ અને ઇલેકટ્રીકલ પેરામીટર્સને એનાલિસિસ કરી શકે છે. કેમેરા બેઇઝડ ઇન્સ્પેકશન માહિતી આપી કાઉન્ટીંગ કરે છે અને ડિફેકટ જાણી શકાય છે. સાથે જ ડિફેકટની પેટર્ન ઓળખી શકાય છે અને મશીન ઓપરેટર કેવી રીતે કામ કરે છે તેની પણ માહિતી મેળવી શકાય છે. કયા સ્ટેપમાં સોલ્યુશન લાવવાની જરૂર છે તે જાણી શકાય છે. સમસ્યાનું નિરાકરણ લાવી એનર્જી કન્ઝમ્પ્શન ઘટાડી શકાય છે અને તેને કારણે પ્રોડકટીવિટી લેવલ વધે છે. સરવાળે, પ્રોડકશન કોસ્ટ ઘટી જાય છે અને કવોલિટી ઇમ્પ્રુવ થાય છે.
વધુમાં તેમણે ઉદ્યોગકારોને ઉદ્યમ 4.0 સ્માર્ટ મેન્યુફેકચરીંગ ફોરમ વિષે માહિતી આપી હતી. જેના અંતર્ગત બધી ઇન્ડસ્ટ્રીમાં ઇકો સિસ્ટમ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. લાર્જ એન્ડ એસએમઇ મેન્યુફેકચરીંગ એન્ટરપ્રાઇઝીસ, સોલ્યુશન પ્રોવાઇડર્સ (ટેક કંપનીઝ એન્ડ સ્ટાર્ટ–અપ), ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને એકેડેમિયા બધા એક પ્લેટફોર્મ પર આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા કાર્યક્રમમાં હાજર રહયાં હતાં. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે કાર્યક્રમની રૂપરેખા આપી સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન બશીર મન્સુરીએ વર્કશોપનું સંચાલન કર્યું હતું. આ વર્કશોપમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન વિજય મેવાવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. જ્યારે ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન ચેતન શેઠે સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. આ વર્કશોપના આયોજન માટે ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન અને એમએસએમઇ કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વકતાએ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *