સુરત, 20 જાન્યુઆરી : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 36 કિલોમીટરના વિસ્તારમાંથી ઈન્ડિયન ઓઈલની પાઈપલાઈન પસાર થાય છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ભૂગર્ભ પાઈપલાઈનમાં અસામાજિક તત્વો દ્વારા છેડછાડ કરી ઓઈલ ચોરીના પ્રયાસો કરવામાં આવતા હોય છે, જેનાથી ઓઈલ લિકેજ, વિકરાળ આગ અને પર્યાવરણને વ્યાપક નુકસાનનું જોખમ સર્જાય છે. જેથી આવા તત્વોને ડામવા અને ભંગાણની આવી ઘટનાઓ પર દેખરેખ રાખવા અને શોધી કાઢવા માટે અદ્યતન તકનિકી સિસ્ટમ્સ તૈનાત કરી છે. WRPL, જયપુર અને ચિત્તોડગઢમાં પાઈપલાઈન સાથે ચેડા કરવાનો પ્રયાસ આ ટેક્નોલોજી દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. ઘટનાના ચોક્કસ સ્થાનને પિન-પોઇન્ટ કરીને પાઈપલાઈનના નુકસાનને નિવારી શકાય છે, સાથોસાથ ભૂગર્ભ પાઈપલાઈનોમાં છેડછાડ કરનારા અસામાજિક તત્વો, ઓઈલ ચોરીમાં સંડોવાયેલા ગુનેગારો અંગે જાણકારી આપનાર નાગરિકોને પુરસ્કાર આપવામાં આવશે. ખાસ કરીને પાઈપલાઈનની નજીકના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ ઈન્ડિયન ઓઈલ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવા વિનંતી છે. માહિતી આપનાર નાગરિકોની ઓળખ ગુપ્ત રખાશે. ટોલ ફ્રી નં. 18001232219, 1800102 6322 નો સંપર્ક સાધવા ઈન્ડિયન ઓઈલના વેસ્ટર્ન રિજીયનના સિનીયર મેન્ટેનન્સ મેનેજર એસ.આઈ.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત