સુરત : હજીરાથી ઘોઘા તરંગ પોસ્ટ સેવાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ

સ્થાનિક
Spread the love

સુરત, 20 જાન્યુઆરી : ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સુરતના હજીરા અને ભાવનગરના ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસ મારફતે ટપાલ પહોંચાડવા ‘તરંગ પોસ્ટ સર્વિસ’નો પ્રારંભ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો. પોસ્ટ વિભાગ દ્વારા દેશની પ્રથમ દરિયાઈ માર્ગથી ‘તરંગ પોસ્ટ સેવા’નો પ્રારંભ થવાથી સુરતથી ભાવનગર અગાઉ ટપાલ પહોંચવામાં 32 કલાકનો સમય લાગતો હતો તે હવે આ સેવા થકી માત્ર 7 કલાક થઈ જશે. મંત્રીએ રોરો ફેરીની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ભારતીય પોસ્ટ દ્વારા સડક અને હવાઈ માર્ગે ટપાલ સેવા સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં હવે દરિયાઈ માર્ગે ટપાલ સેવાનો શુભારંભ થયો છે. આ અગાઉ સુરતથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર ટપાલો પહોંચતી હતી. આગામી દિવસોમાં ભારતના વધુ દરિયાઈ માર્ગો પર આ પ્રકારની ઝડપી સેવા શરૂ કરવાની દિશામાં આયોજન કરવામાં આવશે.

નોંધનીય છે કે, હજીરાથી ઘોઘા વચ્ચે કાર્યરત રો-રો ફેરી સર્વિસ દ્વારા દરિયાઈ પોસ્ટ પરિવહનથી સમય અને નાણાનો બચાવ થશે, અને જરૂરી દસ્તાવેજો લોકોને ઓછા સમયમાં મળી રહેશે. સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલો પહોંચાડવામાં આવશે, જે રો-રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર મોકલાશે. કામગીરીની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે, સમયનો બચાવ પણ થશે.

આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ (ગુજરાત સર્કલ) નિરજકુમાર, પોસ્ટ માસ્ટર જનરલ (દ.ગુજરાત, વડોદરા) પ્રીતિ અગ્રવાલ, ઇન્ડિગો સીવે પ્રા.લિ.ના ડાયરેકટર વરૂણ કોન્ટ્રાકટર અને સી.ઈ.ઓ. દેવેન્દ્ર મનરાલ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *