
સુરત, 26 જાન્યુઆરી : સુરત જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચોર્યાસી તાલુકાના કવાસ લીમલા સ્થિત ક્રીભકો ખાતે નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના 15 જેટલા વિભાગો-કચેરીઓ દ્વારા આકર્ષક ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

દિવસભરની મજૂરી બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનાવેલ પાકા ઘરમાં શ્રમિક તેમના પરિવાર સાથે સુખેથી રહે છે તેનું પ્રદર્શન ટેબ્લો થકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ચોર્યાસી તાલુકા પંચાયત દ્વારા કરાયું હતું. પ્રયોજનાંન વહીવટદાર માંડવી પ્રાંત દ્વારા આદિજાતિ બંધુઓને રોજગારલક્ષી તાલીમ જેમાં બામ્બુ આર્ટ, સીવણ મશીન, કોમ્પ્યુટરની તાલીમ લેતા આદિવાસી ભાઈ બહેનો, સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા સુરતની 11 રેન્જો દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાના વનમહોત્સવ ઉજવણી દરમ્યાન રોપા વિતરણ, વૃક્ષારોપણ જેમાં રોપાઓનું પ્રદર્શન, જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ (વાસ્મો) મેનેજરની કચેરી દ્વારા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન “વાસ્મો” (ગુજરાત પાણી પુરવઠા વિભાગ) દ્વારા વર્ષ 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં પીવાનાં પાણીની હયાત સુવિધાઓને ખુબ મોટા પાયે નુકસાન થવાના કારણે કચ્છ તેમજ રાજ્યના ગ્રામીણ લોકોની પીવાના પાણીની સમસ્યા માટે “સાથે મળી સહ્યોગ સાધીએ, સાથે મળી કામ કરીએ”, “જળ એ જ જીવન” ની સાર્થકતા સાથે દરેક ઘરને (હર ઘર જલ) નલ સે જલ દ્વારા 100% ઘરોને પીવા માટે આવરી લઈ ગુણવત્તાયુક્ત, પૂરતા પ્રમાણમાં અને નિયમિત પીવાનું પાણી મળી રહે તેનું આકર્ષક અને નયનરમ્ય નિદર્શન કરાયું હતું.

જિલ્લા પંચાયત ખેતી વાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે (1) જીવામૃત, (2) ઘન જીવામૃત, (3) બીજામૃત (4) બ્રહ્માસ્ત્ર (5) અગ્નિસ્ત્ર (6) દશપર્ણી અર્ક (7) નીમાસ્ત્ર (8) સપ્ત ધાન્યઅર્ક જેવા જુદા -જુદા ઉત્પાદનનું પ્રદર્શન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેબ્લોમાં બહેનો, સરકારની દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ લાભાન્વિત, સ્વરોજગાર પ્રાપ્ત કરેલી બહેનોએ બનાવેલા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું હતુ.

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા આયુષ્મમાન ભારત કાર્ડ દ્વારા લાભાર્થીઓ પેપરલેસ સિસ્ટમ થકી ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત કરી શકે તેમજ આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુટુંબ દીઠ રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, આઈ.સી.ડી.એસ. જિલ્લા પંચાયત દ્વારા પા પા પગલી યોજનાની ઝાંખી, શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ, જેટકો દ્વારા હજીરા વિસ્તારમાં 139 મીટર સૌથી ઉંચો વીજ ટાવર, ડી. જી.વી.સી.એલ. દ્વારા ગુજરાત રૂફ ટોપ યોજનાની ઝાંખી રજૂ કરાઈ હતી.પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રોડ સેફ્ટી અંગે,108 દ્વારા દૈનિક કામગીરી, પશુપાલન શાખા દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ, 181 અભયમની ત્વરિત અને વિનામૂલ્યે મહિલાલક્ષી સેવા જેવી ઝાંખીઓને ઉપસ્થિત રહેલા શાળાના બાળકો, વાલીઓ અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત