
સુરત, 26 જાન્યુઆરી : દેશના રાષ્ટ્રિય પર્વ 74માં ગણતંત્ર દિન નિમિત્તે નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો આગેવાનોને સંબોધન કરતાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખદેસાઈ એ જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંગ્રેજોના શાસનમાં ભારતીયોનું શોષણ થતુ હતું. ત્યારે પુજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં અંગ્રેજોને દેશ નિકાલ – “અંગ્રેજો ગાદી છોડો”ની નેમ સાથે પુર્ણ આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે 284 જેટલા તજજ્ઞોએ રાત દિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે.

કોંગ્રેસ કાર્યાલય-સુરત ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં શહેર પ્રમુખ હસમુખદેસાઈએ ધ્વજ લહેરાવી સલામી આપી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત