
સુરત, 25 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.28મીએ સુરત મહાનગરપાલિકાના રૂા.2369 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. તેઓ રૂ.47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના મકાનોનો ડ્રો પણ કરશે. સાથોસાથ, મુખ્યમંત્રીના હસ્તે રૂ.1344 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત થશે. ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં નિર્માણ પામશે. નાગરિકકેન્દ્રી આ ઈમારત સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું પણ બહુમાન મેળવશે. આમ, મુખ્યમંત્રી કુલ રૂા.2416 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
ચોકબજાર પાસે આવેલ ઈ.સ.1644માં નિર્મિત હેરિટેજ બિલ્ડીંગ ‘મુગલસરાઈ’માં હાલ પાલિકાનું મુખ્યાલય કાર્યરત છે. સુરતની વસ્તીમાં વધારો થવા સાથે લોકસુવિધા, સુગમતામાં વધારો કરવાના આશયથી પાલિકાને નવા ભવનની જરૂરિયાત જણાઈ હતી. જેથી રાજ્ય સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ દરખાસ્તનો સકારાત્મક પ્રત્યુત્તર આપતા સુરત શહેરના રિંગ રોડ સ્થિત જૂની સબ જેલની 22563 ચો.મી. જગ્યા ફાળવી હતી. અહીં તૈયાર થનાર આ આઈકોનિક બિલ્ડીંગનો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.આ ઈમારતમાં G±27 એટલે કે ભોંયતળિયું તેમજ 27-27 માળના 105.3મીટર ઉંચાઈ ધરાવતા બે ગગનચુંબી ટાવર બનશે. ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ બનાવશે. આ ટ્વિન ટાવરો ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. સમગ્ર બિલ્ડીંગનું બાંધકામ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારિત રહેશે. ત્રણથી સવા ત્રણ મીટરની માળ પ્રમાણે ઉંચાઈ રહેશે. 2.20 લાખ ચો.મી.નો બિલ્ટઅપ એરિયા, દેશના સૌપ્રથમ 105.3 મીટર ઊંચા 27 માળના અદ્યતન બે આઈકોનિક ઓફિસ બિલ્ડીંગ બનતા લોકસુવિધા વધશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકાની ઓફિસો એક જ સ્થળે કાર્યરત થશે.

એક ટાવરમાં મનપા અને બીજા ટાવરમાં રાજ્ય-કેન્દ્ર સરકારની કચેરીઓને સ્થાન આપવામાં આવશે. જેનાથી નાગરિકો-અરજદારોની સુગમતા વધશે. આમ, નવા વહીવટીભવનના રૂપે દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત સુરતમાં બનશે.આ બિલ્ડીંગ શહેરની મધ્યમાં અને નિર્માણાધિન મેટ્રો રેલ્વે જંકશનની બાજુમાં જ બનશે. કામ અર્થે આવતા નાગરિકો, કર્મચારીઓને મેટ્રોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ પણ મળશે.પાલિકાની ટીમ નવા વહીવટી ભવનના નિર્માણનો મેગા પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું ત્યારે વડાપ્રધાનએ માત્ર સુરત મનપા જ નહીં, પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી કચેરીઓનો સમાવેશ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું, જેને સ્વીકારી વડાપ્રધાનની ભાવના મુજબ પાલિકાએ 28 માળના બે ટ્વિન ટાવર બનાવવાનો નિર્ણય કર્યો હતો. અને મેગા પ્રોજેક્ટમાં ફેરફાર કરતા ભારત સરકાર, રાજ્ય સરકારની કચેરીઓને એક જગ્યાએ સમાવી શકાય એવો ગ્રીન બિલ્ડીંગનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ફક્ત રાજ્ય જ નહીં પણ દેશની આઈકોનિક બિલ્ડીંગમાં આ પ્રોજેકટ ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.આ બિલ્ડીંગ સિવિક સેન્ટર, નાગરિકો માટે સિટિંગ એરિયા, મિટિંગ હોલ્સ, મલ્ટીપર્પઝ હોલ, લાઈબ્રેરી, એક્ટિવિટી રૂમની સુવિધા ધરાવતી આ બિલ્ડીંગો ઈન્ટીગ્રૅટેડ, મલ્ટી ડિસીપ્લીનરી અને સ્માર્ટ, ગ્રીન ટેકનોલોજીથી સુસજ્જ હશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત