સુરત : કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 27 જાન્યુઆરી : કતારગામ સુમુલ ડેરી રોડ સ્થિત ગુરૂકુલ કન્યા વિદ્યાપીઠ વી.ટી.ચોક્સી કન્યા વિદ્યાલયમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે મંત્રી જરદોશે જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રે નવી ઉંચાઈ આંબી રહ્યું છે. યુવાઓના શેક્ષણિક સમયમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાના સમયમાં થતી મૂંઝવણોનું નિરાકરણ લાવવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દિશાદર્શન કરશે. ગુરૂકુલના આંગણે સ્વામીજીએ હજારો વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કર્યું છે એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.નવા ભારતના નિર્માણમાં યુવાપેઢીનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે પરીક્ષાના યોગ્ય સમયે ‘પરીક્ષા પે ચર્ચા’ એ પરીક્ષાર્થીઓ માટે મિત્રની ગરજ સારશે. પરીક્ષા દરમિયાન શાંતચિત્તે સમયના યોગ્ય મેનેજમેન્ટ સાથે વાંચન કરી પ્રફુલ્લિત મને પરીક્ષા આપવા મંત્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

આ પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘના જોઈન્ટ સેક્રેટરી અને સુરત શાખાના અધ્યક્ષ સ્વામી અંબરિશાનંદ મહારાજે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણ સાથે સદ્દગુણ પણ હોવા જરૂરી હોવાનો મત વ્યક્ત કરી પુસ્તકોથી વિચારોનો વૈભવ ફેલાય છે એમ ઉમેર્યું હતું.

આ અવસરે મનપાના શિક્ષણ સમિતિના સભ્ય યશોધર દેસાઈ, કોર્પોરેટર દક્ષેશ માવાણી, ઘનશ્યામ સવાણી, સોનલદેસાઈ, જયશ્રી વરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી- સુરતના આસિ. એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પિનાકીન પટેલ, પૂર્વ કોર્પોરેટર અનિતાદેસાઈ, આચાર્ય તૃપ્તિ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય જિગીષા પટેલ, શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *