
સુરત, 28 જાન્યુઆરી : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા તથા સુડાના રૂા.2416 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગર્વભેર જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ‘ઘરના ઘર’નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે, જે પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.’

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઉર્જા મંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ રૂ.1344 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહીવટી ભવનના રૂપમાં સાકાર થનાર દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના રૂ.1560 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને રૂ.808.63 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે રૂ.47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. જેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકોટુરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે, અને પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર છે.વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે, તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ 2025 સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈ-બસોમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત્તકાળમાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે ત્યારે ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.

આ વેળાએ આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથોસાથ આઝાદીના અમૃત્ત કાળમાં સુરતવાસીઓ વિકાસની રાહમાં જોડાઈને અગ્રીમ સહયોગ આપે તેમજ સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે, ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.

પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપી હતી.મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું તે આઈકોનિક બિલ્ડીંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે.105.3મીટર ઊંચી G±27 માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું બહુમાન મેળવશે. જેનો રાજ્ય-કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.

આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, સંદિપ દેસાઈ, સંગીતાપાટીલ, કાંતિ બલર, પ્રવીણ ઘોઘારી, અરવિંદ રાણા, મનુ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, પોલીસ કમિશનરઅજય તોમર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અરવિંદ વિજયન સહિત પાલિકાના પદાધિકારી-અધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો, PM આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૂ.808.63 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
રૂ.500 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની પરિવહન સેવાના ભાગરૂપે કેન્દ્ર સરકારની FAME-II યોજના અંતર્ગત ગ્રોલ કોસ્ટ કોન્ટ્રાકટ મોડેલથી બીજા તબક્કાની ઈલેકટ્રીક બસોનું મગોબ ડેપો ખાતેથી ઓપરેશન, રૂ.109.99 કરોડના ખર્ચે જહાંગીરપુરા-પીસાદ ખાતે EWS-II પ્રકારના 1534 આવાસો તમામ આંતરિક સુવિધા તેમજ સાઈટ ડેવલપમેન્ટની કામગીરી સહિત EPC ધોરણે બનાવવાનું કામ,રૂ.92.49 કરોડના ખર્ચે જહાંગીરપુરા-પીસાદ ખાતે EWS-II પ્રકારના 1290 આવાસો તમામ આંતરિક સુવિધા તેમજ સાઈટ ડેવલપમેન્ટની કામગીરી સહિત EPC ધોરણે બનાવવાનું કામ, રૂ.69.05 કરોડના ખર્ચે જહાંગીરાબાદ ખાતે EWS-II પ્રકારના 984 આવાસો તમામ આંતરિક સુવિધા તેમજ સાઈટ ડેવલપમેન્ટની કામગીરી સહિત EPC ધોરણે બનાવવાનું કામ,રૂ.22.05 કરોડના ખર્ચે અલથાણ-ભટાર ખાતે EWS-II પ્રકારના 300 આવાસો તમામ આંતરિક સુવિધા તેમજ સાઈટ ડેવલપમેન્ટની કામગીરી સહિત EPC ધોરણે બનાવવાનું કામ,રૂ.12.27 કરોડના ખર્ચે પૂર્વ(વરાછા)ઝોન-એ વિસ્તારમાં ઉમરવાડા ખાતે કેશુભાઈ પટેલ લાયબ્રેરી,રૂ.2.11 કરોડના ખર્ચે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુગલીસરાવાળી જગ્યામાં સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ માટે ઓફિસ તથા સ્ટાફ ક્વાર્ટસ,રૂ.0.46 કરોડના ખર્ચે સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયત તથા ડીંડોલી-ભેદવાડ-ભેસ્તાન ખાતે આવેલ શ્રી હરીહરનગર સોસાયટીનાં સી.ઓ.પી.ની જગ્યામાં આંગણવાડી,રૂ.1.21 કરોડના ખર્ચે સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયતના ભૈયાજીના બગીચા ખાતે આંગણવાડીનું લોકાર્પણ થયુ હતું.
સુરત શહેરી વિકાસ સત્તામંડળ(ઓખા-વણકલા-વિહેણ) ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2560 પૈકી બાકી રહેલા રૂા.47.18 કરોડના 503 આવાસોનો ડ્રો (ફુલ પ્રોજેક્ટ ખર્ચ રૂા.240,00 કરોડ) કરવામાં આવ્યું હતું.

રૂ.1560 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત
રૂ.64.87 કરોડના ખર્ચે કોયલી ખાડી પર રીમોડેલીંગ અને રીસ્ટ્રકચરીંગની કામગીરી, રૂ.51.01કરોડના ખર્ચે ખરવરનગર-માઠેના બી.આર.ટી.એસ. કોરિડોર બ્રિજથી જીવન જ્યોત બ્રિજ સુધી ખાડીના રિમોડેલીંગ અને રિસ્ટ્રકચરીંગની કામગીરી,રૂ.5.31 મોટાવરાછા ખાતે અનામત પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (યુએચસી), સેનેટરી વોર્ડ ઓફિસ તથા વી.બી.ડી.સી. યુનિટ,રૂ.4.06 કરોડના ખર્ચે મોટાવરાછા-ઉત્રાણ ખાતે 'યુટીલીટી સેન્ટર''ના હેતુ માટેના પ્લોટમાં આરોગ્ય વોર્ડ-એ માટે સેનિટેશન વોર્ડ ઓફિસ અને વી.બી.ડી.સી. યુનિટ તથા વાંચનાલય,રૂ.1.52 મોટાવરાછા-ઉત્રાણ ખાતે આવેલ હયાત નગર પ્રા.શાળા નં.309ના કંપાઉન્ડમાં નવી શાળાનું મકાન, રૂ.1.04 કરોડના ખર્ચે પુણા-સીમાડા ખાતે આવેલ ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત શાળા નં.303નો માળ વધારવાનું કામ,રૂ.60.66 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની વિવિધ એચ.ટી. વિજ સર્વિસોમાં વિજ બચત મેળવવાના હેતુસર 13 મેગાવોટ(એસી) ક્ષમતાના ગ્રાઉન્ડ માઉન્ટેડ ગ્રીડ કનેક્ટેડ સોલાર ફોટોવોલ્ટેક બેડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરી કાર્યરત કરવાનું કામ, રૂ.9.46 કરોડના ખર્ચે વેસુ-ભરચાણા ખાતે બુસ્ટર હાઉસ તથા એચ.ટી પેનલ રૂમ સહિતની 109 લાખ લીટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું અને કોમન હેડર/સઈઝીંગ મેઈન લાઈન નાંખવાનું કામ, રૂ.3.89 ઉધના ખાતે 40 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી(બુસ્ટર હાઉસ સહિત) બનાવવાનું કામ, રૂ.2.99 કરોડના ખર્ચે ઉધના અંતર્ગત પાણી પુરવઠો પુરો પાડવાના કામે ઓવર હેડ ટાંકીઓ તેમજ ભૂગર્ભ ટાંકીઓ ભરવા અર્થે એમ.એસ.ક્રીડર નળી વાલ્વ સહિત ખરીદી સાથે મજૂરી કામ, રૂ.8.94 કરોડના ખર્ચે ડીંડોલી-ભેદવાડ-ભેસ્તાન ખાતે સુમન શાળા બનાવવાનું કામ, રૂ.2.56 કરોડના ખર્ચે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે મધ્યસ્થ ઢોર ડબ્બા તથા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર, એનિમલ શેલ્ટર બનાવવા તથા રિનોવેશન કરવાનું કામના ખાતમુહૂર્ત થયુ હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત