
સુરત, 28 જાન્યુઆરી : અમરેલી જિલ્લામાંથી તા.19/10/2022ના રોજ રામદેવ ટ્રાવેલ્સમાં અક્ષર આંગડીયા તથા ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીઓ રૂ.2.75 કરોડના હીરા અને રોકડ સાથે પાર્સલ લઈ સુરત શહેર તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના 1:30 વાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલા અગીયાર જેટલા વ્યકિતઓએ બસ રોકી આ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ચાર દેશી તમંચાની અણીએ લુંટ ચલાવી ચાર ફોર વ્હીલ વાહનોમાં બેસી ફરાર થયા હતા. જેની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસને થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલિસ દ્વારા તેમનો પીછો કરી નાકાબંદી ગોઠવી સંયુક્ત ઓપરેશન સાથે આણંદ જિલ્લાના મહેળાવ-સુણાવ રોડ પરથી તમામ માલ સાથે 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.જેમની પાસેથી દેશી બનાવટના 3 કટ્ટા, જીવતા કારટીજ નંગ-8, ચપ્પુ (છરા) નંગ-3 સહિત ડાયમંડના 299 નંગ પાર્સલ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ મળી કુલ 14 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટ દ્વારા આંગડીયા પેઢી તથા વેપારીઓનો મુદામાલ પરત સોંપવા હુકમ કર્યો હતો. આ તમામ ઓપરેશન 35 પોલીસ સ્ટાફની ટીમે પાર પાડયું હતું.આ તમામ મુદ્દામાલ સાથે આજરોજ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે મહેશ્વરી ભવન ખાતે સુરત ડાયમંડ એસોશીએશન તથા સુરત આંગડીયા એસોશીએશનોની હાજરીમાં આંગડીયા પેઢીને સોપવામાં આવ્યો હતો.

આ અવસરે ગૃહરાજયમંત્રીએ પોલીસની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, અમદાવાદ, આણંદ અને સુરત શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી લુંટાયેલા મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ધૈર્ય અને વિશ્વાસ પર ડાયમંડનો વેપાર ચાલે છે ત્યારે દિવાળીના સમયે 300થી વધુ પરિવારનું જોખમ લઈ આંગડીયા પેઢીના કર્મચારી આંગડીયું લઇને સુરત આવતા હતા ત્યારે અચાનક લુંટ થઈ હતી. પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આણંદ અને સુરત પોલીસના સંયુકત ઓપરેશનના પરિણામે તમામ લુંટારાઓને ઝડપી પાડી વેપારીઓને તેમનો મુદ્દામાલ પરત મળ્યો છે. અમદાવાદ પોલીસે નક્કી કર્યું હતું કે, 100 દિવસ પહેલા કોર્ટમાંથી મુદામાલ છોડાવી વેપારી તથા આંગડીયા પેઢીને પરત કરીશું અને આજે તે કામ તેમણે પાર પાડ્યું કર્યું છે જે બદલ સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન પાઠવું છું.
વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સધન કામગીરી કરી રહી છે. ડ્રગ્સના નેટવર્ક તુટવાથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને મોટું નુકશાન પહોચ્યું છે. રાજયની પોલીસ કોઈ પણ રીતે પીછેહઠ કરશે નહી. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કલકત્તા જેવા અનેક રાજયના યુવાનોનું જીવન બરબાદ થતા અટકાવવાનું કાર્ય ગુજરાત પોલીસ કરી રહી છે ત્યારે સૌએ સાથે મળીને ડ્રગ્સની લડાઈમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર અજય તોમર, અમદાવાદ એસ.પી અમિત વસાવા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સુરત આંગડિયા એસોસિએશનના પ્રમુખ મનહર પટેલ, વરાછા પો.સ્ટેશનના પી.આઈ. એ.એન.ગાબાણી તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત