
સુરત, 28 જાન્યુઆરી : સુરતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રીયન બહુમતી ધરાવતા વરાછા વિસ્તારમાં લોકોના પ્રશ્ને હંમેશા તંત્ર સામે દબંગ માનવામાં આવતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડી વિસ્તારની આસપાસ રહેલી ગંદકીના પ્રશ્ને જન આંદોલનની ચીમકી આપી છે.કાનાણીએ સુરત મનપા કમિશ્નરને પત્ર લખી ખાડી વિસ્તારની આસપાસ આવેલીઅનેક સોસાયટીઓને ગંદકી-દુર્ગંધ અને મરછરના ત્રાસમાંથી મુક્તિ કરવા બાબતે રજૂઆત કરી છે.આ પત્રમાં તેમણે ચીમકી આપી છે કે જો આ સમસ્યાનું સત્વરે નિરાકરણ કરવામાં નહીં આવે તો પોતે પણ જન આંદોલનમાં જોડાશે.
કાનાણીએ જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં આવેલી ખાડીના કિનારા પરની અસંખ્ય સોસાયટીઓના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના કારણે ત્રાસી ગયા છે.વર્ષોથી આ પ્રશ્નના નિવારણ માટે અનેક વાર રજૂઆતો કરી છે તેમ છતાં લોકોની મુશ્કેલીઓને દૂર કરવામાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.આ પ્રશ્ને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? તે અંગેનો કોઈ રિપોર્ટ પણ તંત્ર દ્વારા આપવામાં આવતો નથી.મને ફોન પર જવાબ આપવામાં આવે છે કે, કામ ચાલુ છે થઇ જશે. પણ કામ થતું નથી.લોકો હવે આ મુદ્દે કંટાળી ગયા છે.આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. જો તેમ નહીં થાય અને જો લોકો જન આંદોલન કરશે તો નાછૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની તંત્ર નોંધ લે. લોકોનો આ પ્રશ્ન વ્યાજબી છે. ક્લિન સિટીનો એવોર્ડ સતત સુરતે જીત્યો છે. ત્યારે શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં રહેલા ગંદકીના સામ્રાજ્યને સત્વરે દૂર કરવામાં આવે.
કાનાણી લોકોના પ્રશ્ને હંમેશા તંત્ર સામે લડતા આવ્યા છે.ત્યારે તેમના આ પત્રથી સુરતના વાતાવરણમાં ફરીથી ગરમાટો આવ્યો છે ત્યારે, હવે એ જોવું રહ્યું કે ભાજપના જ આ પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાના હાલના ધારાસભ્યની જન આંદોલનની આ ચીમકીને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે ?
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત