
સુરત, 30 જાન્યુઆરી : વિશ્વમાં દર વર્ષે તા.30જાન્યુ.ને ‘રક્તપિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રક્તપિત રોગને લઈને લોકોમાં જાગૃત્તિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી સુરત અને તાપી જિલ્લામાં તા.30 જાન્યુ.-થી 13મી ફેબ્રુ.-2023 દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન પખવાડિયા’ અંતર્ગત રક્તપિત જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના 12 હાઈએન્ડેમિક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલી ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસ દ્વારા ‘રક્તપિત દિવસ’ની ઉજવણી રક્તપિત્તના દર્દીઓ સાથે કરી રક્તપિત્ત નાબૂદીના શપથ લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પબ્લિક હેલ્થ ઓફિસર અને સુરત ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસર ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણદર 10,000 ની વસ્તીએ 0.48 અને તાપી જિલ્લામાં 10,000ની વસ્તીએ 1.30 છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણદર 10,000ની વસ્તીએ 0.33 છે. રાજ્યના 12 હાઈએન્ડેમિક જિલ્લાઓમાં રોગનું પ્રમાણ દર 1 ટકા કરતા વધુ હોવાથી ક્રમશ: ડિસે.-2022ના અંત સુધીમાં વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, સુરત, વલસાડ એમ 6 હાઈએન્ડેમિક જિલ્લાઓમાં રોગનું પ્રમાણદર 1 ટકા કરતા નીચે લાવી એલિમિનેશનનું ધ્યેય હાંસલ કરવામાં સફળતા મળી રહી છે.આ અગાઉ રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ માન્યતા તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી.

ડો.પટેલે જણાવ્યું કે, સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા 6 વર્ષમા અનુક્રમે 34 અને 9 જેટલી રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરવામાં આવી છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ 2016-17થી 2022-23(ડિસે.2022 અંતિમ ) સુધીમાં અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધિરતા ધરાવતાં કુલ-5658 અને 2710 રક્તપિતગ્રસ્તો મળી કુલ 8368 દર્દીઓને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પૂરા પાડ્યા છે. જેના કારણે પગમાં બધિરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર)થી બચાવી શકાયા છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ 2020થી ’23 દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એક્ટિવ કેસ ડિટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન, હાર્ડ ટુ રિચ એરિયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ડોર ટુ ડોર તપાસ કરી રક્તપિતના નવા દર્દી શોધીને ત્વરિત બહુઔષધીય સારવાર આપી રોગમુક્ત કરવામાં આવ્યાં છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત