સુરત : શહેરીજનો પર 307 કરોડના વેરા વધારા સાથે વર્ષ 2023-24નું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા મનપા કમિશનર શાલિની અગ્રવાલ

સ્થાનિક
Spread the love

સુરત, 31 જાન્યુઆરી : વિકાસની સતત હરણફાળ ભરી રહેલા અને ગુજરાતની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરના વર્ષ 2022-23ના રિવાઇઝડ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટને મનપા કમિશનર શાલિની અગ્રવાલે મંગળવારે રજૂ કર્યું હતું.શહેરના સાયન્સ સેન્ટર ખાતે રજૂ કરવામાં આવેલા વર્ષ 2023-24 માટેનું 7707 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ અત્યાર સુધીના મનપાના ઇતિહાસનું સૌથી વધુ બજેટ છે.આ બજેટમાં ખાસ કરીને જુના અને નવા વિસ્તારોના કામો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જોકે, નવા બજેટના કેપિટલ કામોને પુરા કરવા માટે કમિશનરે રજૂ કરેલા બજેટમાં શહેરીજનો પર કુલ 307 કરોડનો વધારાનો વેરો ઝીંકવામાં આવ્યો છે.મંગળવારે આયોજિત પત્રકાર પરિષદમાં મનપા કમિશનરે બજેટની વિસ્તૃત માહિતી મીડિયાકર્મીઓને આપી હતી.
વર્ષ 2023-24ના આ ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વેરો વધારવામાં આવ્યો છે. રહેણાંક મિલકતોના વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 4નો વધારો જયારે બિન રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કમિશનર દ્વારા સૂચવવામાં આવ્યો છે.જેના કારણે સામાન્ય વેરામાં રૂ 152.18 કરોડનો વધારો થશે.જયારે યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ. 148.66 કરોડ, વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.શહેરીજનો વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે તે હેતુથી સિટી ઈલેક્ટ્રીક વ્હિકલ પોલીસ-2012 અંતર્ગત ઈલેક્ટ્રીક વાહનોના પરિવહન ચાર્જમાં 75%ની રાહત આપવામાં આવી છે.શહેરમાં જે જુના કામો કાર્યરત છે તે તમામને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં પુરા કરવામાં આવશે તેવું કમિશનરે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

શહેરના કેપિટલ પ્રોજેક્ટ ની પાછળ 3519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવામાં આવશે.એક બ્રિજ 60 કરોડના ખર્ચે તો બીજા 2 બ્રિજ નવા વિસ્તાર અને શહેરને જોડનારા બનશે, જેમની પાછળ 40 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે.શહેર મનપાના વિકાસના કામ માટે અંદાજે 40% નો વધારો ગતવર્ષ કરતાં આ વખતે કરવામાં આવ્યો છે ત્યારે, રેવન્યુ ખર્ચને ઓછો કરવા માટે રૂપિયા 100 કરોડના “ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ” પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના થકી મનપા ભંડોળ ઉભું કરશે.ગુજરાતમાં પહેલી વખત “રિઝયોબલ સાયન્સ એન્ડ કોડ્સ સિટી સેન્ટર રૂ. 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.શહેરી આરોગ્ય અને સેવાઓ માટે 550 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે 30 આંગણવાડી કેન્દ્રને આધુનિક બનાવવામાં આવશે.શહેરના વધી રહેલા કદની સાથે સાથે આગજનીના બનાવો પણ વધુ બનતા હોઈને શહેરમાં વધુ નવા 6 ફાયર સ્ટેશન બનાવાશે. આ સાથે શહેરમાં ફાયર સ્ટેશનની કુલ સંખ્યા 30 થશે.
મંગળવારે મનપા કમિશનરે રજૂ કરેલા બજેટમાં 307 કરોડનો વેરા વધારો સૂચવ્યો છે.ત્યારે હવે આ બજેટ સ્થાયી સમિતિમાં રજૂ થયા બાદ શાસકપક્ષ તેમાં ક્યાં પ્રકારનો સુધારો કરે છે તે જોવું રહ્યું.બીજી તરફ સુરત કોંગ્રેસ દ્વારા આ વેરા વધારો પાછો ખેંચવા લડત કરવાનું જાહેર કર્યું છે જયારે આમ આદમી પાર્ટી પણ લડતના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે, હવે આ બજેટ પર સૌની નજર રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *