સુરત : જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને સરપંચ, ઉપસરપંચ અને તલાટીઓની બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 3 ફેબ્રુઆરી : આદિજાતિ રાજ્ય વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી હાઈસ્કૂલના ઓડિટોરીયમ ખાતે સરપંચ-ઉપસરપંચો અને તલાટીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભ આમજન સુધી પહોંચે તે માટે ખભેખભા મિલાવીને કાર્ય કરવા માર્ગદર્શન આપી પદાધિકારી-અધિકારીઓ સાથે સંવાદ સાંધ્યો હતો.

બેઠકમાં મંત્રીએ જણાવ્યું કે, સરપંચ અને તલાટી કમ મંત્રી એક સિક્કાની બે બાજુ સમાન છે. ગામને વિકાસની ઉંચાઈ પર લઈ જવા માટે સરપંચ અને તલાટીનો સમન્વય ખૂબ જ જરૂરી છે. તલાટીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાવવા કાર્યશીલ બનવા પર ભાર મૂક્યો હતો.ગુજરાતમાં રાજ્ય સરકારે માત્ર રૂ.૫માં શ્રમિ વર્ગને પૌષ્ટિક આહારની યોજના અમલી બનાવી છે. આદિજાતિ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા પરિવારને ઘરના ઘરનું સપનું આપણે પૂર્ણ કરવાનું છે. આ સાથે ગ્રામ વિકાસમાં આવરી લેવાતા રોડ રસ્તા, પીવાના પાણી, આંગણવાડી તથા રમત-ગમત મેદાન સહિત ગ્રામ વિકાસના કાર્યો સતત થતા રહે એ જ પ્રાથમિક ધ્યેય હોવું જોઈએ. ‘મારૂ ગામ, મારૂ ઘર અને મારા સ્વજનની ભાવના સાથે કાર્ય કરીશું તો વિકાસના ફળો સર્વજન સુધી પહોંચશે.

આ અવસરે ‘હું તમારો અને તમે મારા’ એવી સંવેદના સાથેના પારિવારીક કૌટુંબિક વાતાવરણમાં મંત્રીએ સરપંચ, ઉપસરપંચ અને તલાટીઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. આ બેઠકમાં જિ.પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ, તા.પં, પ્રમુખ હિનાવસાવા, પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકર, ટીડીઓ ડી.સી.મહાકાલ, મામલતદાર મનીષ પટેલ, મહામંત્રી જગદીશ પારેખ, બાંધકામ સમિતિ અધ્યક્ષ રોહિત પટેલ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *