
સુરત, 4 ફેબ્રુઆરી : આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ” યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, તત્ર રમન્તે દેવતા ” અર્થાત જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારી નારી શક્તિનું સમયાંતરે સન્માન થવું જ જોઈએ અને એજ સ્વસ્થ સમાજની નિશાની છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં આદરપાત્ર સ્થાન ધરાવતા રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલતા રક્ષક ગ્રુપ દ્વારા આવતીકાલે તા.5 ફેબ્રુઆરી,2023 રવિવારના રોજ સમગ્ર ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારી 51 મહિલાઓનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

રક્ષક ગ્રુપના રાષ્ટ્રીય પ્રમુખ ગૌરવ પટેલે આ કાર્યક્રમ અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે ” અટલ રાષ્ટ્ર ન્યુઝ ” ને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ ગ્રુપની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી.અમારા પ્રેરણા સ્ત્રોત વૈશ્વિક નેતા અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.’ એક ભારત, શ્રેષ્ઠ ભારત ‘ ના તેમના સ્વપ્નને સાકાર કરવા માટે અમે અમારાથી શક્ય હોય તેટલું યોગદાન આપી રહ્યા છીએ.આપણે ત્યાં નારી શક્તિની પૂજા એ પરંપરા છે ત્યારે, ઘર-પરિવારની સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી 51 મહિલાઓનું આવતીકાલે અમો સન્માન કરવા જઈ રહ્યા છીએ અને તેનું અમને ગૌરવ છે.વર્ષ 2021-22 બાદ આ સતત ત્રીજા વર્ષે અમારા ગ્રુપ દ્વારા ” નારી સત્કાર સન્માન સમારોહ ” આયોજિત કરવામાં આવ્યો છે.વર્ષ 2023ના પ્રારંભે શહેરના વેસુ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલા એકઝલ્ટ શોપર્સના નિયોન ધ ડિસ્ક ખાતે બપોરે 12:30 કલાકે આ તૃતીય સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવાનો હોઈને ગ્રુપના સ્વયંસેવકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગૌરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ગ્રુપનું મુખ્ય લક્ષ્ય જરૂરિયાતમંદોની સેવા કરવાનું છે.ભુખ્યાને ભોજન, વસ્ત્રદાન તેમજ શિક્ષાદાન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમયાંતરે અમે કરી રહ્યા છીએ.કુદરતી આફત સમયે પણ અમારી ટિમ સેવા કરવા પહોંચી જાય છે.બનાસકાંઠાના પાલનપુર અને વલસાડ ખાતે આવેલા પૂર સમયે અમારા સ્વયંસેવકો રાહતના કાર્યમાં સહભાગી બન્યા હતા. કોરોનાકાળ દરમિયાન વર્ષ 2020માં લોકડાઉન સમયે અમે જોયું કે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની તાતી જરૂરિયાત છે.અમે સતત 70 દિવસ સુધી ભુખ્યાને ભોજન પહોંચાડ્યું.આ 70 દિવસ દરમિયાન ગ્રુપના સ્વયંસેવકોએ આ મહામારીમાં રાત દિવસ અંદાજે 5.25 લાખ લોકોની પેટની આગ બુઝાવવાનું કાર્ય કર્યું.અમે આ પ્રકારના સત્કાર્ય કરવામાં ઈશ્વરે અમને નિમિત્ત બનાવ્યા તેમનો અમને આનંદ છે.આગામી 7 વર્ષમાં દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં જરૂરિયાતમંદ 2 લાખ જેટલા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવાનો અમારો લક્ષ્યાંક છે.અમારા પાસે એટલા નાણાં નથી.અમે આ બધી સેવા લોકોના સહયોગથી જ કરીએ છીએ.અમે પ્રતિ વર્ષ સુરત શહેર- જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં લોકોને તેમના જુના જીન્સના પેન્ટ અમને આપવા અપીલ કરીએ છીએ.આ પેન્ટમાંથી અમો મજબૂત સ્કૂલ બેગ બનાવી સ્કૂલના બાળકોને વિતરણ કરીએ છીએ.અમારી અપીલને સુંદર પ્રતિસાદ મળે છે.રક્ષક ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં આંતરિયાળ ગામડાઓમાં જરૂરિયાતમંદ 17 હજાર બાળકોને સ્કૂલ બેગ આપીને તેમના મુખ પર નિર્દોષ હાસ્ય લાવવામાં નિમિત્ત બન્યા છીએ.દક્ષિણ ગુજરાતના સોનગઢ,વ્યારા,બારડોલી,ચીખલી નવસરનવસારી સહિતના ગામોમાં આ પ્રકારની સ્કૂલ બેગ વિતરણ કરી છે અને હજુ વિતરણ કરવાના છીએ.આ સિવાય પણ અમારા ગ્રુપ દ્વારા નોટબુક વિતરણ, કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ગરમ ધાબળાઓની વિતરણ તેમજ માં-બાપ વિહોણા બાળકોની ફી ભરવાની સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.

ગૌરવ પટેલે વધુમાં જણવ્યું હતું કે અમારી આ સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ સૌના સહયોગ વિના શક્ય નથી.આગામી સમયમાં પણ અમને દરિદ્રનારાયણની સેવા કરવામાં સમાજના તમામ વર્ગનો સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા છે. આ તબક્કે ગ્રુપ સૌ સહયોગીઓનો આભાર પણ પ્રકટ કરે છે. રવિવારે આયોજિત આ તૃતીય ” નારી સત્કાર સન્માન સમારોહ “ને સફળ બનાવવા ગ્રુપના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ દક્ષિત પંડ્યા,નેશનલ ગનરલ સેક્રેટરી વિરલ વ્યાસ સહિત ગ્રુપના તમામ સભ્યો તેમજ સહયોગીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત