
સુરત, 4 ફેબ્રુઆરી : ભાજપાની રાષ્ટ્રીય કારોબારી બાદ પ્રદેશ કારોબારી થતી હોય છે ત્યારબાદ જિલ્લા તથા મહાનગરોની કારોબારી બેઠક યોજવામાં આવે છે તે ઉપક્રમમાં શનિવારે સુરત શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ભાજપ કાર્યાલય પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રી તથા સુરત મહાનગરના સંગઠન પ્રભારી પ્રદિપસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં શહેર કારોબારી બેઠક મળી હતી.બેઠકનો પ્ર્રારંભ વંદે માતરમ ગાન સાથે થયો હતો.

આ બેઠકના પ્રારંભમાં પ્રદેશના આગેવાનોના હસ્તે દીપ પ્રાક્ટ્ય બાદ શહેર ભાજપા અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.તેમણે ગત દિવસોમાં સુરેન્દ્રનગર ખાતે આયોજિત પ્રદેશ ભાજપની કારોબારીની કારોબારી દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થા બદલ સુરેન્દ્રનગર ભાજપને વધાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં થયેલા ઐતિહાસિક વિજય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન બદલ સૌનો આભાર માન્યો હતો.સુરત શહેર અને જિલ્લાની તમામ 16 બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બદલ કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માન્યો હતો.ગત દિવસોમાં સુરત શહેર ભાજપના અવસાન પામેલા કાર્યકર્તાઓને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ બેઠકને સંબોધતા પ્રદેશ મહામંત્રી તથા સુરત મહાનગરના સંગઠન પ્રભારી પ્રદિપસિંહજી વાઘેલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદને પોષણ આપતું કોઈ શહેર શહેર હોય તો તે સુરત છે.સુરતે હંમેશા રાષ્ટ્રવાદીઓને આનંદિત અને રાષ્ટ્ર વિરોધીઓને નિરાશ કર્યા છે.સુરતે તેના પરિણામો દ્વારા દેશને અનોખો સંદેશ આપ્યો છે.આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતે એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બેઠકમાં વાઘેલાએ સંગઠનને વધુને વધુ મજબૂત કરવા અને આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કટિબદ્ધ બનવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.
આ બેઠકમાં સહકારી ક્ષેત્રના ગુજરાતના ઇન્ચાર્જ મનીષ કાપડિયાએ દેશભરમાં સહકારી ક્ષેત્રમાં ભાજપાનાં યોગદાન તેમજ આગામી સમયમાં સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી જયારે પ્રદેશ અગ્રણી પ્રેરક શાહે જી-20 ભારત 2023 માં ભારતની વૈશ્વિક સ્તર પરની ભૂમિકા અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશ્વભરમાં ભારતના હેરિટેજ, સંસ્કૃતિ, મજબૂત લીડરશીપ, વિકાસ, વિવિધતા,સભ્યતા, મહેમાનગતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 2014 પૂર્વેનું ભારત અને ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતની વિશ્વમાં સ્થિતિ અંગે અનેકવિધ વિષયોની પ્રસ્તુતિ કરી હતી. બેઠકમાં શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સૌએ તેમને અનુમોદન આપ્યું હતું.

બેઠકના અંતમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વિધાનસભાની ઐતિહાસિક જીત અને તેમાંય ખાસ કરીને સુરત શહેર-જિલ્લાની તમામ બેઠકો પરના વિજય બદલ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી. આગામી સમયમાં 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂતાઈ આપવા બુથ સ્તર પર , શક્તિ કેન્દ્રો પર, પેજ કમિટી સ્તર પર કાર્યકર્તાઓની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરોક્ત બેઠકમાં સંગઠનના વિવિધ પદાધિકરીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત