
સુરત, 4 ફેબ્રુઆરી : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે સુરત માર્ગ અને મકાન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.4.58 કરોડના 4 રસ્તાઓનું માંડવી તાલુકાના કાટકુવા ગામે ખાતમુહુર્ત કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.1.60 કરોડના ખર્ચે માંડવી તાલુકાના કેવડીયાથી રખસખડી તરફ જતો 4 કિમીનો રોડ, રૂ.40 લાખના ખર્ચે ગામતળાવ ખુર્દ સ્ટેશનથી માંકણઝરને જોડતો 1 કિમીનો રોડ, બજેટની ઉચ્ચ જોગવાઇમાં રૂ.1.66 કરોડના ખર્ચે માંડવી તાલુકાના તારાપુર કાટકુવાને જોડતો 3.70 કિમીનો રોડ, રૂ.92 લાખના ખર્ચે ખરેડાથી માલ્ધા ફાટા અને માલ્ધા વચ્ચે નીકળતો 2.30 કિમીનો રસ્તો એમ કુલ રૂ.4.58 કરોડના ખર્ચે 11 કિમીના રસ્તાઓનું ખાતમુહુર્ત સંપન્ન થયું હતું. આ રસ્તાના નિર્માણથી સ્થાનિક ગ્રામજનોને મુસાફરી, અવર જવર અને ખેતપેદાશના વહન માટે સુવિધા મળશે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શ્રમિકોની ચિંતા કરીને બજેટમાં આકસ્મિક મૃત્યુ પામનાર શ્રમિકોના પરિવારને રૂ.3 લાખના બદલે સહાયની રકમ વધારીને રૂ.5 લાખની જોગવાઈ કરી છે. તેમજ શ્રમિકોને સર્પદંશથી થતા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને રૂ.5 લાખની સહાય મળશે.મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સુમુલ સાથે ટાઈઅપ કરીને ગોબર ગેસ પ્લાન્ટની યોજના શરૂ કરવામાં આવશે, જેથી બહેનોને ચુલાનો ધુમાડાથી મુક્તિ મળશે. બહેનો પાપડ, અથાણા, વેફર જેવા ગૃહઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર સહાય આપી રહી છે, જેનો લાભ લઈ આર્થિક પગભર બનવા અનુરોધ કર્યો હતો.આવનાર બજેટમાં આદિવાસીઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. ગુજરાતમાં કોઈ શાળા નળિયા કે છાપરાવાળી ન રહે, આંગણવાડી જર્જરિત ન રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. આગામી દિવસોમાં એસ.ટી. બસોની કનેક્ટિવિટી વધે એ માટે સ્થાનિક વિસ્તારમાં ૭ નવી એસ.ટી.બસો મૂકવામાં આવશે, જેથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ આશિત ચૌધરી, મહામંત્રી જગદીશ પારેખ, જિ.પં. બાંધકામ સમિતિ અધ્યક્ષ રોહિત પટેલ, તા.પં. સભ્ય કમલેશભાઈ, કાટકુવા સરપંચ લલિતાબેન, ગ્રામ પંચાતના સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત