
સુરત, 5 ફેબ્રુઆરી : સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ‘માય ઈલાજ મિશન હેલ્ધી ઇન્ડિયા’ અંતર્ગત કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં પીંગાક્ષ ઈન્ડસ્ટ્રીઝ રામાણી ગ્રુપ દ્વારા ‘ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ’ અને રેડક્રોસ બ્લડબેંક સુરત દ્વારા મહારક્તદાન શિબિર યોજાયા હતા. સાથે જ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ, સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો દ્વારા વિના મુલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ, સે નો ટુ સુસાઈડ પેરેન્ટિંગ કાર્યક્રમ યોજાયા હતા.ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં 150 વધુ નિષ્ણાંત તબીબો દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં હાડકાના નાક, કાન, આંખ, ગળા, દાંત, હ્યદય રોગ, કેન્સર, બાળ રોગ, મગજ, કિડની તેમજ ચામડીના રોગ મળીને 3500થી વધુ શહેરીજનોનું નિદાન કરવામાં આવ્યું હતું. સાથે જ મહારક્તદાન શિબિરમાં શહેરીજનોએ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયાને સાર્થક કરવા સૌ શહેરીજનોએ પોતાની વર્તમાન જીવનશૈલી, શારિરીક પ્રવૃતિઓના આધારે સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ. આધુનિક જમાનામાં સમગ્ર દુનિયાના ખાનપાનના પ્રવાહો બદલાયા છે ત્યારે જંક ફુડના બદલે ઓર્ગેનિક તરફ વળવાની જરૂર છે.સમગ્ર વિશ્વનું WHOના સમર્થન સાથે આયુર્વેદનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આજે ભારત પાસે છે જેનું દેશને ગૌરવ છે. આયુર્વેદમાં વનસ્પતિજન્ય ઔષધિય તરફ મીંઢ માડવી જોઈએ. આવા હેલ્થ ચેક કેમ્પમાં ઘણા રોગોનું સમયાંતરે જ નિદાન થવાની મોટી બીમારીથી બચી શકાય છે. આપણામાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે અહીના હેલ્થ ચેકઅપ કેમ્પમાં ચરિતાર્થ થઈ રહ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય વિનોદ મોરડીયા, ડે.મેયર દિનેશ જોધાણી, ડો. પ્રફુલ શિરોયા, પીંગાક્ષ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ અવકાશ રામાણી, જેનિલ રામાણી, ધર્મવલ્લભદાસસ્વામી, આચાર્ય અરવિંદ ઠેસીયા, ધર્મેશ સલિયા, સામાજિક અગ્રણી રાકેશ દુધાત, જીવરાજ ધારૂકાવાળા, મહેન્દ્ર દેસાઈ, શહેરીજનો, હોમગાર્ડ જવાનો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત