સુરત : કડોદરા ચાર રસ્તા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ભરેલી 250 થેલીઓ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 6 ફેબ્રઆરી : રાજ્યના વેરા નિરીક્ષકો તથા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી હસ્તકના પલસાણા તાલુકાના ખેતી અધિકારી વિવેક રાજેશ મેતલિયાની ટીમ દ્વારા કડોદરા ચાર રસ્તા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાની 50 કિલો વજનની કુલ 250 નંગની બેગો સાથેનો જથ્થો ઝડપાયો હતો. સાથે ટ્રક ડ્રાઈવર ગોવિંદ રામપ્રસાદ યાદવની અટક કરી અંદાજિત 74 હજારની સબસિડીયુકત યુરિયા બેગ તથા અંદાજે રૂા.10 લાખની કિંમતની ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ગત 19મી જાન્યુ.ના રોજ રાજય વેરા નિરીક્ષકની ટીમે સુરતના કડોદરા ચાર રસ્તા ખાતેથી અમદાવાદથી મુંબઈ જતી ટ્રકને ચેક કરતા યુરિયા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. જેની જાણ નાયબ ખેતી નિયામકને કરતા પલસાણા તાલુકાના ખેતી અધિકારીએ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તપાસમાં સફેદ બોરીઓમાં શંકાસ્પદ યુરિયા હોવાનું માલુમ પડતા આ શંકાસ્પદ જથ્થાને બારડોલી ખાતેની પ્રયોગશાળામાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં યુરિયા હોવાનું માલુમ પડયું હતું. વધુ તપાસ કરતા આ જથ્થો આણંદ જિલ્લાના બેડવા ખાતેના ગોડાઉનમાંથી આવ્યો હોવાનું અને આ ગોડાઉનનું રાજુ વહોરા તથા સાહિલ ઉર્ફે મોન્ટ ફારૂક વ્હોરા નામના વ્યકિતઓ સંપુર્ણ સંચાલન કરતા હોવાની વિગતો જાણવા મળી છે. તેમના દ્વારા જુદી જુદી સહકારી મંડળીઓના સંચાલકો પાસેથી ખાતરનો જથ્થો લાવીને સફેદ થેલીઓમાં ભરી જે તે જગ્યાએ મોકલવામાં આવતો હતો. પલસાણાના ખેતી અધિકારીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *