સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બીજી વાર બ્રેઈનડેડ વ્યક્તિના હાથોનું દાન કરાયું

સામાજીક
Spread the love

સુરત, 9 ફેબ્રુઆરી : અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરીવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે અંગદાનમાં વધારો થયો છે. સિવિલ ખાતે આજરોજ બ્રેઈનડેડ સ્વજનના લીવર, બે કિડની અને બે હાથોનું અંગદાન કરીને સુરતના પાટીલ પરિવારે માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે. બ્રેઈનડેડ ૫૬ વર્ષીય ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત શહેરમાં વધુ એક અંગદાન થવાથી અંગદાનની આ ઓળખ વધુ સબળ બની છે. સુરત સિવિલનું આ બીજું હેન્ડ ઓર્ગન ડોનેશન, જ્યારે ગુજરાતનું સાતમું હેન્ડ ડોનેશન થયું છે. આ સાથે સુરત સિવિલમાંથી કુલ 16 અંગદાન કરવામાં આવ્યા છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાસ્કર પાટીલ મજૂરી કામ કરીને જીવન વ્યતિત કરતા હતા. ગત તા.2/2/2023ના રોજ તેઓ નિત્ય ક્રમ મુજબ પાંડેસરા કડિયા નાકા પર કામ માટે જવા નીકળ્યા ત્યારે બેભાન થઈ જતા તત્કાલ તેમને સોસ્યો સર્કલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા હતા. સિટી સ્કેન રિપોર્ટ કરાવતા મગજના હેમરેજ થયાનું માલુમ પડયું હતું. સઘન સારવાર છતાં ગંભીર હેમરેજના તેમના સ્વસ્થ થઈ શકે તેમ ન હતા. તા.8 ફેબ્રુ.ના રોજ સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ ન હોવાથી ડો.નિલેષ કાછડીયા સહિતના તબીબી અધિકારીઓએ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ ભાણેજને અંગદાન અંગેની જાણકારી આપી. તેમણે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડ લાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

આજરોજ તા.9મીએ બ્રેઈનડેડ ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે લીવર અને બે કિડની અમદાવાદની IKDRC- ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા.આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ડો.નિલેશ કાછડિયા અને તબીબી ટીમ દ્વારા બંને હાથને પ્રોક્યોર કરવામાં આવ્યા હતા. અંગદાનને પાર પાડવામાં સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *