રૂ.11 કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી રોડના મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક
Spread the love

સુરત,12 ફેબ્રુઆરી : 11 કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારીને જોડતા ૮ કિમી રોડના મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સાંસદ સી.આર. પાટીલ તથા ધારાસભ્ય સંદિપ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પથી સુરત અને નવસારી જિલ્લાના ગામોથી સુરત શહેરમાં નોકરી માટે અપડાઉન કરતા લોકોને મોટી રાહત થશે અને ટ્રાફિકનું ભારણ પણ હળવું થશે.

સુરત જિલ્લાના સચિન ગામ, સચિન ત્રણ રસ્તા ખાતે માર્ગ અને મકાન વિભાગ આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત-સચિન-નવસારીને જોડતા રોડના સ્ટ્રેન્થનીંગ કાર્યનો શુભારંભ થતા વાહનવ્યવહાર સુગમ અને ટ્રાફિકરહિત બનશે. ઔદ્યોગિક હબ સુરત અને ઝડપથી વિકસી રહેલા નવસારી જેવા મહત્વના જિલ્લાઓમાં વધુ સારી રોડ ક્નેકટીવિટી ખૂબ જરૂરી છે. રસ્તાના વિસ્તૃતિકરણથી લોકો-વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળશે.

ધારાસભ્ય બન્યાના ટૂંકા ગાળામાં સંદિપભાઈએ રૂ.100 કરોડથી વધુના રોડરસ્તા, પીવાના પાણી, ઇન્ફાસ્ટ્રકચરના કાર્યો રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવ્યા છે એમ પાટીલે ધારાસભ્ય સંદિપ દેસાઈની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકો જનસુવિધાની માંગણી કરે એ પહેલા જ આવશ્યક કામો શરૂ કરી દેવાની કાર્યસંસ્કૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવી છે. જેને રાજ્ય સરકાર અનુસરી રહી છે. દેશભરમાં 400 જેટલી સ્વદેશી ‘વંદે ભારત’ ટ્રેન દોડતી કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. સુરત તાપી નદી શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકારે એક જ દિવસમાં રૂ.971 કરોડ મંજૂર કર્યા હતા એમ જણાવતા સુરત મેટ્રો ટ્રેન, મિની સચિવાલય સમાન નિર્માણ પામનાર સુરત મનપાનું નવું વહીવટીભવન, કન્વેન્શનલ બેરેજ જેવા પ્રગતિમાં રહેલા વિકાસકાર્યોની વિગતો આપી હતી.

ધારાસભ્ય સંદિપ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સુરત-સચિન-નવસારી રોડ પર ટ્રાફિકનું ખૂબ જ ભારણ રહેતું હોવાથી જનપ્રતિનિધિ તરીકે આ રોડના વાઈડનિંગ અને મજબૂતીકરણ માટે કરેલી રજૂઆતને રાજ્ય સરકારે ત્વરિત અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રજૂઆતમાં સાંસદ સી.આર.પાટીલે ઉમદા સહયોગ આપ્યો હતો જે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારની અસરકારક રજૂઆતના પગલે આ વર્ષે કેન્દ્રીય બજેટમાં દેશના શેરડી પકવતા ખેડૂતો, સુગર ફેક્ટરીઓ સામે આવકવેરા વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા રૂ.10 હજાર કરોડના લિટીગેશનના કેસો નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ઈન્કમટેક્ષની આ રકમ માફ થઈ જતા દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો, સુગર ફેક્ટરીઓને મોટી રાહત થઈ છે એમ જણાવી આ સંવેદનશીલ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે ચોર્યાસી વિધાનસભામાં રૂ.41 કરોડના ખર્ચે પાણીપૂરવઠા, રૂ.6 કરોડના ખર્ચે સુવાલી બીચના વિકાસ સહિતના મંજૂર થયેલા વિકાસકામોની વિગતો આપતા જણાવ્યું કે, માતબર વિકાસકામોથી આ વિસ્તારની લોકસુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશપટેલ, મેયર હેમાલી બોઘાવાલા, ડે મેયર દિનેશ જોધાણી, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ ઋષિ પટેલ, કાર્યપાલક ઈજનેર યુ.બી.ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર, સુરત મનપા, નગરપાલિકાના પદાધિકારી-અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત-નવસારી જિલ્લાના વાહનચાલકોને થશે લાભ

રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં આસપાસના તાલુકાના ગામો તથા નવસારી જિલ્લામાંથી હજારો લોકો રોજગારી માટે રોજબરોજ આવન-જાવન કરતા હોય છે. વર્ષ-2017માં નિર્માણ પામેલો સુરત-સચિન-નવસારી રોડ સુરત તેમજ નવસારી જિલ્લાને જોડતો એક અગત્યનો ફોર લેન રોડ છે. આ રોડ પર હાલ ટ્રાફિકનું ખુબ જ ભારણ રહેતું હોવાથી રાજ્ય સરકારે 13.4 કિમીથી 21.4 કિમી સુધીના રોડના મજબૂતીકરણ માટે રૂ.11કરોડના ખર્ચે વહીવટી મંજૂરી આપી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનું મજબુતીકરણ થવાથી સુરત અને નવસારી જિલ્લાના ગામોથી સુરત શહેરમાં નોકરી માટે અપડાઉન કરતા લોકો સહિત કપલેથા, પોપડા, લાજપોર, સચિન જેવા અન્ય ગામોના લોકોને વધુ સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી મળી રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *