જીવનમાં તથા વ્યવસાયમાં કયારેય કોઇનો દ્વેષ નહીં કરવો એટલે ચિંતા ન થાય : વ્યાસ

સ્થાનિક
Spread the love

સુરત, 13 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે લેખક, મોટીવેશનલ ટ્રેઇનર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ તુષાર વ્યાસે ‘ગીતા– ચિંતા મુકિતની જડીબુટ્ટી’વિષય પર વકતવ્ય રજૂ કરી ગીતાના વિવિધ શ્લોકોમાં અપાયેલા સાર થકી જીવનમાં તથા વ્યવસાયમાં ઉભી થતી નાની – મોટી ચિંતાને કેવી રીતે દૂર કરી શકાય ? તેની સમજણ આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચિંતા એ ચીતા સમાન છે. દુનિયાનો દરેક વ્યક્તિ પછી એ અબજોપતિ હોય કે રોજ કમાવીને જીવન નિર્વાહ કરનાર શ્રમિક હોય, દરેકે દરેક નાની–મોટી ચિંતાઓ સાથે જીવતા હોય છે. જો કે, આજના ઝડપથી બદલાતા સમયમાં ચિંતા કરવી જ ન જોઈએ એવું કહેવું પણ અનુચિત ગણાશે પરંતુ આ ચિંતાઓ કેટલુક સારું વાંચન, ચિંતન અને મનનથી કેવી રીતે હળવી કરી શકાય તે તો ચોકકસપણે વિચારી શકાય છે અને તેને માટે કોઈ હાથવગું નિરાકરણ હોય તો એ છે ગીતા. ગીતા ફક્ત સમસ્યાઓને હળવી જ નથી કરતી પણ તેના સમાધાનના ઉપાયો પણ સૂચવે છે.
ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, ર૧ મી સદી એ જ્ઞાનની અને વિજ્ઞાનની સદી છે, પરંતુ એની સાથે સાથે આ સ્પર્ધાની સદી પણ છે. ઝડપી કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટના જમાનામાં દુનિયા નાની થઇ ગઇ છે. આપણે જાણે વર્લ્ડ વિલેજમાં જીવતા હોઇએ ત્યારે સ્પર્ધાનું વાતાવરણ આપણને તણાવમાં મૂકી દે છે. નાની નાની વાતમાં ચિંતા સંતાપે છે. નિષ્ફળતાનો ભય મારી દૃષ્ટિએ બે પ્રકારના હોય છે. ફિયર ઓફ ફેલ્યોર અને ફિયર ઓફ સકસેસ. આ મારાથી ન થઇ શકશે એ ફિયર ઓફ ફેલ્યોર છે. આજે હું મારું પર્ફોમન્સ સારી રીતે કરી શકીશ ? એ ફિયર ઓફ સકસેસ બંનેમાં ચિંતા ઘર કરી દે છે. વધુમાં તેમણે કહયું કે, સફળ થવું હોય તો ચિંતા છોડવી જ પડે અને ભગવદ્ ગીતાના શરણે જવું જ પડે.
એડવોકેટ તુષાર વ્યાસે વકતવ્યમાં જણાવ્યું હતું કે, દર વર્ષે તણાવ અને ચિંતાને કારણે 8.50 લાખ લોકો જીવ ગુમાવતા હોય છે. ચિંતાને કારણે યાદ શકિત ઘટવી, સતત તણાવ રહેવો, ત્વચા સંંબંધિત વિકાર, ઊંઘ ન આવવી, સ્થૂળતા, હૃદય વિકાર અને પાચન તંત્રની સમસ્યાઓથી લોકો પીડાય છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તેઓએ શારીરિક કસરતની સાથે આધ્યાત્મિકતાનો સહારો લેવો પડે છે.વ્યકિતને સારા આચરણ કરતા રોકે એ ચિંતામાંથી મુકત થવાની જરૂર છે. ચિંતાને દૂર કરવાની જડીબુટ્ટી ગીતામાં છે. મહાભારત થયું એના દસમા દિવસે ગીતા કહેવાઇ છે. અધિષ્ઠાન, કર્તા અને કર્મ એકત્રિત થાય પછી દૈવ (નસીબ) જાગે. જીવનમાં તથા વ્યવસાયમાં ઘણી વ્યકિતઓ એવી હશે કે જે આપણાથી વધુ ચડિયાતી અથવા આપણા કરતા ઓછી હોંશિયાર હશે, પરંતુ આ બંને પ્રકારની વ્યકિતઓનો કયારેય દ્વેષ કરવો જોઇએ નહીં. વ્યકિત જ્યારે દ્વેષ વિનાનું આચરણ કરતો થાય એટલે એ ચિંતામાંથી આપમેળે મુકત થઇ જાય છે.
ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર તથા ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના ઉપ પ્રમુખ પ્રતિમા સોની અને માનદ્ મંત્રી વિપુલ જરીવાલા કાર્યક્રમમાં હાજર રહયાં હતાં. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના ગીતા શ્રોફે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વકતાએ શ્રોતાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના મહિલા સંયોજિકા રંજના પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *