
સુરત, 3 ફેબ્રુઆરી : રાજ્ય સરકાર જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત કાળજી લઈ રહી છે, ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યપ્રદ પોષણયુક્ત આહાર-સપ્લિમેન્ટ્રી ફૂડ મળી રહે તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજના અમલી છે. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના,પોષણ સુધા યોજના તથા દુધ સંજીવની યોજના હેઠળ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં રહેતા 30 વર્ષીય સગર્ભા જિગીષા પટેલ અને તેમના ગર્ભસ્થ શિશુને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.
લાભાર્થી જિગીષા પટેલ ખાનગી શાળામાં શિક્ષિકા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની યોજના હેઠળ મને ચલથાણ આંગણવાડી કેન્દ્રથી દર મહિને પોષક આહારના ૪ માતૃશક્તિ પેકેટ આપવામાં આવે છે. જેમાં બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ આહારમાં મકાઈ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, સોયાબિન, ખાંડ, તેલ સહિતની પોષક તત્વો સાથે આટા સ્વરૂપે ખાદ્ય સામગ્રી અપાય છે. જેમાં જુદા જુદા પ્રકારના મલ્ટીવિટામિન્સ, કાર્બોદિત પદાર્થો તેમજ ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. ઉપરાંત, આયર્ન અને આયોડિનયુક્ત ડબલ ફોર્ટીફાઈડ સત્વ મીઠાનું પેકેટ પણ આપવામાં આવે છે. આ આહારના સેવનથી માતા અને ગર્ભસ્થ શિશુને પોષણ મળે છે. હું આંગણવાડીની બહેનોના માર્ગદર્શન હેઠળ માતૃશક્તિ પેકેટમાંથી સુખડી, શીરો, પુડા (ભાજી), ઢેફલી, થેપલા જેવી સ્વાદિષ્ટ પોષકતત્વસભર વાનગીઓ બનાવું છું, અને નિયમિતપણે આરોગું છું.આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. આ આહાર ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું અનુભવું છું

તેમણે જણાવ્યું કે, પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં પૌષ્ટિક ભોજન જમાડવામાં આવે છે, અને દુધ સંજીવની યોજના હેઠળ દર બુધવાર અને શુક્રવારના રોજ અલગ અલગ ફ્લેવરનું 200 મિલી દુધનું પેકેટ આપવામાં આવે છે. જેનાથી શરીરને શક્તિ મળી રહે છે. સરકારની યોજના થકી મારા જેવી અનેક સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર મળી રહ્યો છે એ બદલ સરકારના આભારી છીએ. સરકારની આ યોજના દરેક પરિવાર સુધી પહોંચે એ માટે મારા જેવી દરેક સગર્ભા મહિલાઓને આ યોજનાનો લાભ લેવા માટે આગ્રહ કરૂ છું એમ તેમણે ઉમેર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત