
સુરત, 15 ફેબ્રુઆરી : સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાન ખાતે એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતીવાડી અધિકારી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારની જય અંબે ગૃપ કો.હા.સર્વિસ સોસાયટી લી.ના નં-456 ખાતેથી તપાસ કરતા 50 કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) તથા અન્ય ચાર બેગમાંથી સબસીડી યુક્ત ખેત વપરાશ અંગેનું નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રાથમિક અનુમાનને આધારે નમુનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જયારે મકાનના ભાડુઆત સત્યેન્દ્રસિંહ રાજેશસિંહની પુછપરછ કરતા તેઓએ ખેડુતોને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું.

લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થતા આ સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. આમ 50 કિ.ગ્રા.વાળી 52 નંગ સફેદ રંગના મીણીયા થેલી જેની કિ.15397 (સબસીડી યુકત ભાવ પ્રમાણે) જયારે અન્ય 50 કિ.ગ્રા. વજનની ચાર નંગ થેલી જેની કિ.1184 નો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતીવાડી અધિકારી દ્વારા તેમની પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત