
સુરત, 15 ફેબ્રુઆરી : સુરત શહેરના વરાછા વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો ટ્રેનની કામગીરી સ્થાનિક નાગરિકો માટે આફત લઈને આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.બે દિવસ પહેલા આ વિસ્તારની વિઠ્ઠલનગર સોસાયટીમાં એકાએક ઘરોમાં ગટરોમાંથી મોટી માત્રામાં કાદવ નીકળ્યો હતો અને શેરીઓમાં નદીના પાણીની જેમ વહ્યો હતો.જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓની સાથે સાથે ઘણું જ નુકશાન થયું હતું.પરિસ્થિતિને અંકુશમાં લેવા મનપા દ્વારા 2 મકાનોને સીલ પણ કરવામાં આવ્યા હતા અને વિશેષજ્ઞો દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી. જોકે, આ સોસાયટીમાં આજે બુધવારે ફરીથી કાદવ નીકળતા તંત્રને મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી અટકાવી દેવાની ફરજ પડી હતી.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ ટનલની કામગીરી દરમિયાન વર્ષો જૂનો એક બોર તૂટી જતાં જમીનમાંથી જવાળામુખીની જેમ કાદવનો ધોધ વહ્યો હતો. વિઠ્ઠલનગર સોસાયટીના 4 મકાનની ડ્રેનેજ-પાણી સહિતની લાઇનમાંથી કાદવ નીકળ્યો હતો.4 મકાનો પૈકી 2 મકાનનું ફ્લોરિંગ ઊંચકાઈ ત્યાંના રહેવાસીઓને અન્યત્ર શિફ્ટ કરવા પડ્યા છે.આજે રીપેરીંગ દરમિયાન ફરીથી કાદવ નીકળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.2 દિવસની તપાસના અંતે પણ સ્થિતિ ઠેરની ઠેર હોઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ સમસ્યાનું કારણ શોધવાની કવાયત ચાલી રહી છે પણ તેમાં સફળતા મળી નથી અને હાલ મેટ્રો ટ્રેનની અંડરગ્રાઉન્ડ ટનલની કામગીરી પણ તંત્ર દ્વારા અટકાવી દેવામાં આવી હોવાની જાણકારી મળી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત