
સુરત,17 ફેબ્રુઆરી : આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયા હોઈને દેશ-દુનિયામા વિવિધ સાંસ્કૃતિક તથા યોગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકામાં પણ વર્લ્ડ ક્લચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમોની આ શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે.જે અંતર્ગત સુરત શહેરમાં આગામી 12 અને 13મી માર્ચે શ્રી શ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં આયોજિત વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમોની માહિતી આપવા શુક્રવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત સંસ્થાના અગ્રણીઓએ મીડિયા સમક્ષ સંસ્થા અને આ કાર્યકમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આર્ટ ઓફ લિવિંગના સ્ટેટ ટીચર કોર્ડીનેટર બકુલ પટેલે જણાવ્યું હતું કે શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં આગામી 12મી માર્ચના રોજ સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્વયં શ્રી શ્રી રવિશંકર મહારાજ ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેક્નિક કે જેના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે તેમજ તેમની જ્ઞાન વાણીનો ઉપસ્થિત જન સમુદાયને લાભ આપશે. આ કાર્યક્રમ સવારે 10થી 1 અને સાંજે 5થી 8 એમ બે સેશનમાં યોજાશે.સમગ્ર વિશ્વમાં શ્રી શ્રી રવિશંકરનું ખુબ જ માન છે.તેઓ ” વસુધૈવ કુટુંબક્મ ” ની આપણી સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ચરીતાર્થ કરી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આર્ટ ઓફ લિવિંગના મીડિયા કોર્ડીનેટર દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 13મી માર્ચના રોજ વરાછાના ગોપીન ગામ ખાતે રત્નરાજ કાર્યક્રમ યોજાશે.જેમાં શ્રી શ્રી રવિશંકર મહારાજનો સત્સંગ તેમજ સુદર્શન ક્રિયા એમ 2 કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.જેમાં ,સમગ્ર ગુજરાતમાંથી લોકો આવશે. સુરતમાંથી 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે.સુરતના તેમના કાર્યક્રમ દરમિયાન ડોકટર્સ,ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડ્વોકેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રના લોકો જોડાશે.સુરતમાં 3.5 લાખ કરતા વધુ લોકો સુદર્શન ક્રિયા દ્વારા તન અને મનની શાંતિ મેળવી રહ્યા છે.શ્રી શ્રી રવિશંકર મહારાજ10થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે.
આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સંસ્થાના સુરત એપેક્ષ મેમ્બર હિરલ દેસાઈ અને યશેસ સ્વામીએ પણ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત