
સુરત,17 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં કામરેજ તાલુકાના વલથાણ સ્થિત SUV ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે જિલ્લા સ્તરીય ખેલ મહોત્સવ યોજાયો હતો. જેમાં કબ્બડી, ખોખો, વૉલિબોલ, દોડ જેવી વિવિધ સ્પર્ધાઓમાં સુરત જિલ્લાના ૩૦૦થી પણ વધારે યુવાઓ-વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કેન્દ્ર દ્વારા આ યુવાનો માટે રમત-ગમત, યુવા જાગૃતિ અને સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો યોજીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે સુરત જિલ્લાના ગ્રામીણ અને શહેરી યુવાઓને રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધારવાના ઉદ્દેશથી નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું ઉદા પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું હતું. ઉપસ્થિત યુવાઓને નેહરૂ યુવા કેન્દ્રની ભાવિ કામગીરી-કાર્યક્રમો વિષે માહિતગાર કરાયા હતા.

આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે રમત-ગમત શિક્ષક સિમરનજીત સિંહ સહિત ભાવેશભાઈ, વરિષ્ઠ શિક્ષક રાજીવ શર્મા અને યુવા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંચાલન તાલુકાના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક મનોજ દેવીપૂજક તેમજ સત્યેન્દ્ર યાદવે કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત