
સુરત, 19 ફેબ્રુઆરી : ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા તા.19થી 21 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરાવ્યો હતો.
આ સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ‘સાગર પરિક્રમા’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો, માછીમાર સમુદાયોને સરકાર દ્વારા અમલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત્ત કરવામાં આવે છે, સાથોસાથ પ્રગતિશીલ મત્સ્ય કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ, PM મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રિજરેટેડ વાન, મોટર સાયકલ વિથ આઈસબોક્ષ સહિતની વિવિધ સાધનસહાય, ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગે ગુજરાતમાં 5 અને 6 માર્ચ, ૨૦૨૨ દરમિયાન ‘સાગર પરિક્રમા’ના પ્રથમ તબક્કા અને તા.22થી 25સપ્ટેમ્બર 2022 દરમિયાન દ્વિતીય તબક્કામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.આઝાદી બાદ તત્કાલીન સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હતી. વર્ષ 1947 થી 2014 સુધી કુલ માત્ર રૂ.3680 કરોડનો ખર્ચ કરાયો હતો. જેની સામે વર્તમાન કેન્દ્ર સરકારે સાગરખેડુઓના સર્વાંગી વિકાસ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂ.20 હજાર કરોડ અને ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ’ (FIDF) રૂ. 7500 કરોડ પાત્ર એકમોને રાહતદરે ધિરાણ પૂરૂ પાડવા માટે ફાળવ્યા છે. રૂ.5 હજાર કરોડની રિવોલ્યુએશન યોજના અમલી બનાવી છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં રૂ.6000 કરોડની વધારાની યોજના શરૂ કરવામાં આવી છે.આઝાદીકાળમાં મત્સ્ય ઉત્પાદન 2 લાખ ટન હતું. જે વર્ષ 2013-14 માં 61 લાખ ટન થયું. જ્યારે વર્ષ 2014થી અમારી સરકારના પ્રયાસોના કારણે છેલ્લા આઠ વર્ષમાં 1.21 કરોડ ટન સુધી ફિશરીઝ ઉત્પાદન પહોંચ્યું છે, અને આજે રૂ.57,000 કરોડનું એકસપોર્ટ કરવામાં સફળતા મળી છે.

ભારત 8 હજાર કિમીનો વિશાળ સાગર તટ ધરાવે છે. અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને દરિયો ખેડતા માછીમારોના સામાજિક અને આર્થિક વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખવા માટે વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અલાયદા મત્સ્ય મંત્રાલયની રચના કરવામાં આવી હતી એનો ઉલ્લેખ કરતા રૂપાલાએ સાગર પરિક્રમા એ સામાન્ય પ્રવાસનું માધ્યમ ન હોવાનું જણાવી આ પરિક્રમા છેવાડાના-અંતરિયાળ દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓનો તાગ મેળવવા, તેમની રજૂઆતો સાંભળવા અને માછીમાર સમુદાયની રહેણીકરણી, સ્થાનિક સંસ્કૃતિનો ધબકાર ઝીલવાનો સાર્થક પ્રયાસ છે.દરિયાકાંઠે માછલીઓનું પ્રમાણ ઓછું હોવાથી મત્સ્ય વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આર્ટિફિશીયલ રિફ્ટ, સી રેન્ચિંગ અને કેજ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ કેન્દ્રીય મત્સ્ય વિભાગના સંયુક્ત સચિવ સાગર મહેરા, NFDB ના ચીફ એક્ઝિક્યુટીવ ડો.સી. સુવર્ણા(IFS), ગાંધીનગરના મત્સ્યોદ્યોગ નિયામક નિતીન સાંગવાન, NFDB ના સભ્ય વેલજી મસાણી, સુરત મત્સ્યોદ્યોગ કચેરીના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક બિંદુ પટેલ અને પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત