બારડોલી : ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર’ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 21 ફેબ્રુઆરી : ભારતને સ્વતંત્ર થવાને 75 વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી બારડોલી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના પ્રતિનિધિઓ રમેશ રાવલ અને પ્રગ્નેશ લવીંગ્યા હાજર રહયાં હતાં. જ્યારે વકતા તરીકે સુપ્રિમ કોર્ટના વકીલ પ્રિતિ જોશીએ બિન નિવાસી ભારતીયો સાથે લગ્ન માટે રાખવાની તકેદારીઓ અને ઉપાયો વિષે વિસ્તૃત સમજણ આપી વિદ્યાર્થીનિઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, હાલના ડિજીટલ યુગમાં સંબંધો ખૂબ ઝડપથી વિસ્તારવા લાગ્યાં છે. પરિચય કેળવાતા, પરિપકવ થતા તે સંબંધ લગ્નમાં પરિણમે ત્યારે ઘણી બધી સાવચેતીઓ રાખવી જરૂરી બને છે અને જ્યારે આ જ લગ્ન સંબંધ વિદેશમાં સ્થાયી થયેલી વ્યકિત સાથે થવાના હોય ત્યારે સાવચેતી વધુ જરૂરી બની જાય છે. એનઆરઆઇ સાથે લગ્ન વખતે કેટલીક સાવચેતી અનિવાર્ય બની જાય છે, જેની સમજણ આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના પ્રતિનિધિ રમેશ રાવલે જણાવ્યું હતું કે, એનઆરજીની શરૂઆત વર્ષ 1998 થી થઇ હતી અને હાલ ગુજરાતમાં 6 સેન્ટર છે. જેમાંનું એક સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કાર્યરત છે અને તેના થકી ઘણી સારી કામગીરી થઇ રહી છે.
વકીલ પ્રિતિ જોશીએ જણાવ્યું હતું કે, દિકરીઓને વિદેશમાં પરણાવવાનું ચલણ વધ્યું છે ત્યારે ઘણી બધી બાબતો એવી છે કે તેના વિશે ચોકસાઇપૂર્વક ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને જે દેશમાં દિકરી પરણવાની હોય એ દેશની ભાષા સમજવી જરૂરી છે. ખોરાક અને સંસ્કૃતિનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે, લગ્ન બાદ વિદેશની સંસ્કૃતિમાં ઢળવાનું હોય છે. ત્યારબાદ જીવનશૈલી વિષે પણ ધ્યાન રાખવું પડે છે. વિદેશમાં બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે, આથી પડોશમાં કોણ રહે છે? તેનો પણ ખ્યાલ હોતો નથી. આ ઉપરાંત વિદેશમાં ઘરના માહોલ મુજબ ઢળવાનું હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ વિદેશમાં લગ્ન કરવા માટે દિકરીઓએ વિચારવું જોઇએ. લગ્ન કરતા પહેલા યુવાનની ઉમર, પરિવાર, તેનું ભણતર, રોજગાર, રહેઠાણ, કોઇ ગુનામાં ફસાયો છે કે કેમ? તથા વિદેશમાં કોઇ વીઝા લઇને નોકરી માટે ગયો હોય તો તેના વીઝાનો પ્રકાર વિગેરે ચોકકસ માહિતી મેળવવી જોઈએ. દિકરીઓ કયારેક સોશિયલ મિડિયા ઉપર યુવાનો દ્વારા મુકાયેલી પ્રોફાઇલ જોઇને ભૌતિકતાવાદમાં આવીને તેઓની તરફ ખેંચાઇ જાય છે અને કયારેક છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે, આથી સોશિયલ મિડિયા ઉપર અજાણ્યા યુવાનો સાથે ચેટીંગ કરવાથી પણ સાવચેત રહેવાની તેમણે યુવતિઓને સલાહ આપી હતી.કયારેક માત્ર ઘર કામ કરવા માટે પણ યુવતિને લગ્ન કરીને લઇ જવામાં આવે છે અને ત્યાં તેનો પતિ અન્ય યુવતિ સાથે લગ્ન કરીને પહેલાથી જ રહેતો હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂકયા છે. આથી કોઇનો લગ્ન માટેનો પ્રસ્તાવ પણ તુરંત સ્વીકારવો જોઇએ નહીં અને કોઇ કાગળ પર સહી કરતા પહેલા સો વખત વિચારવું.
વધુમાં તેમણે વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવતિઓને કેટલીક કાળજી રાખવાની સલાહ આપી હતી. જેમાં સામાજિક પદ્ધતિથી લગ્ન કરવાની સાથે લગ્ન નોંધણી કરી લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત મેળવીને સાથે રાખવું, પતિ પાસે તેના વર્તમાન લગ્ન સંબંધી દરજ્જો વિષે સોગંદનામું કરાવવું, વિદેશમાં નિવાસ સ્થાને પહોંચતા પહેલાં વીમા કવચ મેળવી લેવું અને વિદેશમાં પોતાના નામનું બેંક એકાઉન્ટ ખોલાવવું કે જેથી કટોકટીના સમયમાં પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાય તેમ સલાહ આપી હતી.
ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બર સ્થિત એનઆરજી સેન્ટર સુરતના ચેરમેન કલ્પેશ લાઠીયાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ મેનેજમેન્ટ વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. અનુરાધા પાઠકે યુનિવિર્સિટી વિષે માહિતી આપી હતી. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રિન્સીપાલ એન્ડ ડીન ડો. રાની શેટ્ટી સેમિનારમાં ઉપસ્થિત રહયાં હતાં. જ્યારે માઇક્રો બાયોલોજી વિભાગના એસોસીએટ પ્રોફેસર સુપ્રિયા રત્ના નાગરે પ્રાસંગિક વિધી કરી હતી. વકીલ પ્રિતિ જોશીએ વિદ્યાર્થીનિઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતાં અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *