
સુરત, 21 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના દેવગઢ ગામે સુરત જિલ્લાના યુવાનો માટે વિવિધ વિષયો પર ત્રિ-દિવસીય યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ તાલીમ યોજાઈ હતી. જેમાં પસંદગી પામેલા 50થી વધુ યુવાઓએ યોગ-ધ્યાન, ફાયર સેફ્ટી અને મોકડ્રીલ, સાયબર ક્રાઈમ અવેરનેસ, નાણાકીય જાગૃતિ, સેલ્ફ મેનેજમેન્ટ તેમજ જળસંચય જેવા વિષયો પર વિશેષ તાલીમ મેળવી હતી. સાથે જ આ તાલીમ થકી તેઓમાં સક્ષમ નેતૃત્વ અને સામુદાયિક વિકાસના ગુણોનું સિંચન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબેને હિંમત અને આત્મવિશ્વાસથી મુશ્કેલ કાર્યોને પણ સરળ બનાવી સફળતા મેળવી શકાય છે એમ જણાવી યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા.જયારે જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ વિવિધ વિષયો પર તાલીમની સાથે યુવા સ્પર્ધકોને ગામના આદિવાસી સમાજના ખાન-પાન, સંસ્કૃતિ અને રોજગારના માધ્યમ જેવા વિષયો પર તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે ટ્રેનર રૂપલ શાહ, ડો.ભાવિક શાહ તેમજ શાંતિલાલ વસાવા, જોન ક્રિશ્ચિયન, ફાયર વિભાગના અધિકારીઓ, સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક મેહુલ દોંગા, મનોજ દેવીપૂજક, પરેશ વસાવા અને સુનંદા ગામીત, ધર્મેશ ચૌધરી, ગૌરવ પંડ્યા સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત