
સુરત, 21 ફેબ્રુઆરી : રાજ્ય સરકારે ‘સહી પોષણ..દેશ રોશન’ના અભિગમને સાર્થક કરવા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટેની પોષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યમાં મહિલાઓ અને બાળકો કુપોષણનો શિકાર ન બને અને તેમના શારીરિક વિકાસમાં વૃદ્ધિ થાય તે માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ‘દુધ સંજીવની યોજના’ અમલી છે. આ યોજનામાં 6 માસથી 6 વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓની શારીરિક તંદુરસ્તી, પોષણક્ષમતા વિકસાવી તેમના આરોગ્યની દરકાર લેવામાં આવે છે.આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સરકારની વિવિધ યોજના વિશે માહિતી પૂરી પાડી દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામના કોળીવાડમાં રહેતા 26 વર્ષીય નેહા પટેલ અને તેમની દોઢ વર્ષીય પુત્રી ધ્યાની માટે આર્શીવાદરૂપ બની છે.

લાભાર્થી નેહાપટેલે જણાવ્યું કે, જ્યારે હું ગર્ભવતી હતી, ત્યારે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ અભિયાન અંતર્ગત દુધ સંજીવની યોજના દ્વારા મને અઠવાડિયામાં બે દિવસ 200 મિલી પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દુધ આપવામાં આવ્યું હતું. આ દુધના સેવનથી મારા શરીર અને ગર્ભસ્થ શિશુને પોષણ શક્તિ પ્રાપ્ત થઇ હતી. જેથી નિયમિત દૂધ સેવનથી મારી બાળકીનો જન્મ થતા તે સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ હતી. તે 6 માસની થતાંની સાથે આંગણવાડીમાં અઠવાડિયામાં પાંચ દિવસમાં 100 મિલી પેશ્યુરાઇઝડ ફલેવર્ડ ફોર્ટીફાઇડ દુધ આપવામાં આવ્યું હતું. હાલ મારી પુત્રી ધ્યાની દોઢ વર્ષની છે, જેને 6 વર્ષ સુધી દુધ સંજીવની યોજના થકી તેમના પોષણ અને સ્વાસ્થ્ય માટે સરકાર તરફથી દૂધ મળશે, એમ જણાવી યોજનાનો લાભ આપવા બદલ તેમણે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક અભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત